મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

૧૬ કરોડ ભારતીયો દારૂનું સેવન કરે છે : સર્વે

સૌથી વધુ 'પીનારા' છત્તીસગઢ, ત્રિપુરા, પંજાબ, ગોવામાં

નવી દિલ્હી તા. ૧૯ : હાલમાં જ એક સરકારી સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશભરમાં ૧૦-૭૫ વર્ષના વયજૂથના ૧૪.૬ ટકા એટલે કે ૧૬ કરોડ લોકો દારૂનું સેવન કરે છે. જેમાં દારૂ પીનારાઓની સૌથી વધુ સંખ્યા છત્તીસગઢ, ત્રિપુરા, પંજાબ, અરૂણાચલ પ્રદેશ અને ગોવામાં છે. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે આલ્કોહોલ પછી અફીણ જેવા માદક પદાર્થોનું સેવન પણ દેશભરમાં બીજા ક્રમે જોવા મળી રહ્યું છે. 

આલ્કોહોલનું સેવન કરનારાઓમાં, ૩૮ લોકોમાંથી એક વ્યકિત સારવારના ભાગરૂપે તેનું સેવન કરતી હોય છે જયારે ૧૮૦ લોકોમાંથી એક વ્યકિત સારવાર લઈ રહેલી હોય છે.

 સામાજિક ન્યાય અને સશકિતકરણ મંત્રાલય દ્વારા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (એઈમ્સ)ના સહયોગમાં આ સર્વે 'પ્રિવેલન્સ એન્ડ એકસ્ટેન્ટ ઓફ સબસ્ટેન્સ યુઝ ઈન ઈન્ડિયા' તમામ ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરાયો હતો.

જેમાં દેશભરમાં ૧૮૬ જિલ્લાઓમાં ૨૦૦૧૧૧ ઘરોની મુલાકાત લેવાઈ હતી અને કુલ ૪૭૩૫૬૯ વ્યકિતઓનો ઈન્ટરવ્યૂ લેવાયો હતો.(૨૧.૭)

(9:50 am IST)