મુખ્ય સમાચાર
News of Wednesday, 19th January 2022

કોરોના વાયરસના કારણે વધુ એક મોટો નિર્ણય

૨૮ ફેબ્રુઆરી સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ સસ્પેન્ડ

નવી દિલ્હી, તા.૧૯: દેશમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે ફરીવાર મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતાં કોમર્શીયલ પેસેન્જર ફ્લાઇટ્સ પર રોકને લંબાવવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે આખું વિશ્વ ત્રાહિમામ કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે કોમર્શિયલ પેસેન્જર સર્વિસને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી લંબાવી દીધી છે. DGCA દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર આ પ્રતિબંધોની અસર કાર્ગો વિમાન પર નહીં પડે તથા DGCAના મંજૂરી સાથે ઉડતા વિમાનો પર પણ તેની અસર પડશે નહીં. નોંધનીય છે કે આ પહેલા આ પ્રતિબંધ ૩૧મી જાન્યુઆરી સુધી જ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભારત આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને કોરોના વાયરસના કારણે ૨૩ માર્ચ ૨૦૨૦થી બંધ કરવામાં આવી છે જે બાદ જુલાઇ મહિનામાં અમુક દેશો એર બબલની વ્યવસ્થા કરીને ફ્લાઇટ્સથી લોકોની અવર જવર શરૂ કરવામાં આવી છે.

કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં એરલાઇન કંપનીઓની ખોટ વધીને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ક્રિસિલના અહેવાલ મુજબ, એરલાઇન્સ ચાલુ નાણાકીય વર્ષમાં તેમની અત્યાર સુધીની સૌથી મોટી ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ તરફ આગળ વધી રહી છે. આ નુકસાન ગયા નાણાકીય વર્ષમાં રૂ. ૧૩,૮૫૩ કરોડના નુકસાન કરતાં ૪૪ ટકા વધુ હશે.

(3:24 pm IST)