મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

સ્ટેટ જી.એસ.ટી. વિભાગનુ મોટું ઓપરેશન : રાજ્યની 21 પેઢીઓના જુદા- જુદા 52 સ્થળોએ વ્યાપક દરોડા

ભાવનગર, ગાંધીધામ અને અંજારમાં ઓફીસ તેમજ રહેઠાણના સ્થળોએ દરોડાની કામગીરી :હિસાબી સાહિત્ય કબ્જે :દસ્તાવેજોની હાથ ધરાયેલી ચકાસણી

અમદાવાદ : સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્નારા કરચોરીની શક્યતાના પગલે 21 પેઢીઓના જુદા જુદા 52 સ્થળોએ વ્યાપક પ્રમાણમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર, ગાંધીધામ તેમ જ અંજાર ખાતે આવેલી ઓફીસ તેમ જ રહેઠાણના સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરીને મોટાપ્રમાણમાં દસ્તાવેજો કબજે લીધા છે. આ દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કરચોરી પકડાવવાની સંભાવના રહેલી છે

  સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા ખોટી વેરાશાખ અન્વયે કરચોરીની શક્યતાના પગલે જુદા જુદા સ્થળોએ ગઇકાલે 18મી જાન્યુઆરીના સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં તમામ પેઢીઓમાંથી મળી આવેલા હિસાબી સાહિત્યની ચકાસણી હાથ ધરાઇ છે. જેની ચકાસણી બાદ કરચોરી પકડાવાની શક્યતાઓ સેવાઇ રહી છે

  ભાવનગરની 13 કંપની, ગાંધીધામની સાત, અંજારની એક મળીને કુલ 21 કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. જયારે ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડના ગાંધીધામ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા તથા વડોદરાના સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી

ભાવનગરના આમીર ટ્રેડર્સ, ગાંધીધામના અમીતકુમાર એન્ડ કંપની, ભાવનગરના બલ્યુસ્ટાર ટ્રેડીંગ તેમ જ ગાંધીધામની સી.કે. એન્ટરપ્રાઇઝ ઉપરાંત ચેતન સ્ક્રેપને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે. તે જ રીતે ભાવનગરની દુર્ગા સ્ટીલ તેમ જ અમદાવાદ, ગાંધીધામ, ગાંધીનગર, મહેસાણા તથા વડોદરા સ્થિત ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડની કચેરીઓ ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તે જ રીતે એચ.કે. મેટલ્સની ભાવનગર, હડીડ ટ્રેડીંગ કંપની, ભાવનગર તેમ જ હેન્સ ઇસ્પાત લીમીટેડ-અંજાર ઉપરાંત હરિક્રિષ્ના ગ્લોબર ટ્રેડ- ગાંધીધામ ઉપરાંત ભાવનગર સ્થિત મન્નત ઇમ્પેક્સ, એન.જે. એન્ડ કંપની, નુર ટ્રેડર્સ, ઓસીયન સ્ટીલ વર્કસ, ફોનીક્સ એન્ટરપ્રાઇઝ, સીમેફ કોર્પોરેશન, શિવમાની એલોયઝ

ગાંધીધામ ખાતે આવેલી સાર્થક ઇન્ટરનેશનલ, સિધ્ધિ વિનાયક ટ્રેડર્સ તથા યાદુ ઇમ્પેક્સ પ્રાઇવેટ લીમીટેડને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય કબજે લેવામાં આવ્યું છે. આ દરોડાની કાર્યવાહી તથા દસ્તાવેજોની ચકાસણીની કામગીરી હાલ ચાલુ હોવાથી કરચોરી અંગેનો કોઇ આંકડો જાણવા મળ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક સમયથી જીએસટી વિભાગ દ્રારા બોગસ બિલીંગ કરીને કરચોરી કરતી કંપનીઓ સામે કડક હાથે કાર્યવાહી ચાલુ કરી છે. આ ઉપરાંત કરચોરી કરતી કંપનીઓ સામે પણ લાલઆંખ કરી છે. જેના ભાગરૂપે જ સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે

(9:57 pm IST)