મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

પંજાબ નેશનલ બેંકના એટીએમ પૈસા નહીં આપે : પહેલી ફેબ્રુઆરીથી નોન ઇવીએમ મશીનો બંધ રહેશે

નવી દિલ્હી તા.૧૯ : પંજાબ નેશનલ બેંકના નોન ઇવીએમ એટીએમ મશીન્સ પહેલી ફેબ્રુઆરીથી ખાતેદારોને પૈસા નહીં આપે.

બેંકે પોતાના ટ્વીટર હેન્ડલ પર મૂકેલી માહિતી મુજબ પહેલી ફેબ્રુઆરીથી નોન ઇવીએમ એટીએમ યંત્રો નાણાંકીય અને બિનનાણાંકીય (નોન-ફાયનાન્શ્યલ ) બંને પ્રકારની લેણદેણને લાગુ પડે છે.

એટીએમ મશીન દ્વારા પણ થઇ રહેલી છેતરપીંડીથી પોતાના ખાતેદારોને બચાવવા બેંકે આ નિર્ણય લીધો હોવાનું ટ્વીટર હેન્ડલ પર બેંકે જણાવ્યું હતું.

બેંકે જણાવ્યા મુજબ કલોન કાર્ડ જેવી છેતરપીંડીથી ખાતેદારોને ઊગારવા આ નિર્ણય લેવો પડ્યો હતો. રિઝર્વ બેંકના આદેશ પછી મોટા ભાગની બેંકો મેગ્નેટિક સ્ટ્રીપ ધરાવતા ડેબિટ કાર્ડ દ્વારા લેણદેણ પર અત્યાર અગાઉ જ પ્રતિબંધ લાદી ચૂકી હતી. એવા ડેબિટ કાર્ડના સ્થાને ઇએમવી ચીપવાળા ડેબિટ કાર્ડ ખાતેદારોને આપવામાં આવ્યા હતા.

નોન ઇવીએમ એટીએમ મશીન એટલે શું એ સમજી લેવા જેવું છે. આ એવાં મશીન્સ છે જે લેણેદેણ પૂરી થાય ત્યાં સુધી કાર્ડને રોકી રાખતાં નથી. ખાતેદાર કાર્ડ નાખે એ રીડ કરી લીધા પછી આવાં મશીનમાંથી કાર્ડ પાછું કાઢી લઇ શકાય છે. આવાં કાર્ડ દ્વારા છેતરપીંડી સહેલાઇથી થઇ શકે છે. બીજી બાજુ ઇવીએમ મશીન એવાં મશીન છે જે ગ્રાહકની તમામ લેણદેણ પૂરી થાય ત્યાં સુધી કાર્ડને રોકી રાખે છે.

પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં પોતાના ખાતેદારોને પીએનબીવન એપ દ્વારા પોતાના કાર્ડને ઓન - ઓફ કરવાની સગવડ આપી હતી આ એપ ખાતેદારને એવી સગવડ આપતી હતી કે કાર્ડ વપરાશમાં ન હોય ત્યારે આપોઆપ ઓફ કરી શકાય.

એને કારણે કાર્ડ કલોન થવાની કે બીજી કોઇ ગેરરીતિ દ્વારા ખાતેદારના પૈસા ઉપાડી લેવાની ગુનાહિત પ્રવૃત્તિને અટકાવી શકાશે એમ પીએનબી માને છે. પીએનબીના ખાતેદાર હોય એવા લોકોએ આ બાબત તરફ ધ્યાન આપવું જોઇએ. આ સગવડ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવશે એમ બેંકે કહ્યું હતું.

(4:10 pm IST)