મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

લાવેપોરાની અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય યુવાનો આતંકવાદી હતા : પોલીસે કર્યો ખુલાસો

ટેકનીકલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે જે તેમના વાલીઓને બતાવાશે

જન્મુ તા. ૧૯ : લાવેપોરામાં થોડા દિવસ પહેલા થયેલ અથડામણમાં માર્યા ગયેલ ત્રણ યુવકોનો કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે. જે તે સમયે યુવકોને ઓવર ગ્રાઉન્ડ વર્કર બતાવનાર પોલીસે હવે રહી રહીને એવો ખુલાસો કર્યો છે કે આ ત્રણેય યુવક આતંકવાદી હતા.

આઇજીપી કશ્મીર રેન્જ વિજય કુમારે જણાવ્યુ કે લાવેપોરા અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય યુવકો આતંકી હતા. પોલીસ થોડા સમયમાં જ તેના નકકર પુરાવા તેમના માતા પિતાને સોંપશે. મૃતદેહ પરિવારજનોને સોંપવાની વાત અંગે તેઓએ જણાવેલ કે હાલ કોવિડ -૧૯ ના સમયમાં મૃતદેહ જો સોંપવામાં આવે તો તેમની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટવાની પુરી આશંકા રહે. જેથી કોવિડ પ્રોટોકોલ ભંગ ન થાય તે માટે પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

આઇજીપીએ જણાવેલ કે અમે હજુ વધુ ટેકનીકલ પુરાવાઓ એકત્ર કરી રહ્યા છીએ.

 હાલ તેમના માતા પિતા પોતાના સંતાનો નિર્દોષ હોવાની વાતને લઇને હોબાળો મચાવી રહ્યા છે તેમને આ પુરાવાઓ બતાવવામાં આવશે. એટલુ જ નહીં આતંકીઓ માટે નેટવર્કની જેમ કામ કરી રહેલ ઓવરગ્રાઉન્ડ વર્કરો ઉપર પણ ગાળીયો મજબુત બનાવાયો છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે યુવકોના પરિવારજનો કોઇ રીતે એ વાત સ્વિકારવા તૈયાર નથી કે ત્રણેય આતંકવાદી હતા. ઘાટીના લોકોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો.

(3:00 pm IST)