મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

તાંડવના નિર્માતા-નિર્દેશકની આજે મુંબઇમાં લખનૌ પોલીસ પુછપરછ કરશે

યુપીમાં સાધુ-સંતો હિન્દુ દેવી-દેવતાઓના અપમાન અને જાતિગત ભાવનાઓ ભડકાવાનો આરોપ : મુંબઇ કુચ કરવા ચેતવણી આપેલ

લખનૌ, તા. ૧૯ :  બોલીવુડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન, ડિંપલ કાપડીયા, અલીમીશાન સ્ટારર વેબ સીરીઝ 'તાંડવ' ના વિરોધની આગ યુપી સુધી પહોંચી ગઇ છે. અહીં મોટા પાયે વિરોધ થયો છે. નિર્દેશક અલી અબ્બાસ ઝફરની વેબ સીરીઝ તાંડવમાં ધાર્મિક અને જાતિગત ભાવનાઓ ભડકાવવાના આરોપો લાગ્યા છે.

ઉત્તરપ્રદેશના અયોધ્યા, મધુરા, કાશી અને પ્રયાગરાજમાં સાધુ સુતો અને ઘણા સંગઠનોએ મોરચો ખોલ્યો છે. લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં વેબ 'તાંડવ'ના નિર્માતાઓ અને એમેઝોન પ્રાઇમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં કથીત રૂપે હિન્દુ દેવી-દેવતાઓના અપમાન અને જાતિગત ભાવનાઓ ભડકાવા, શાસકીય વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાડાયો છે. સાધુ-સંતોએ નારાજગી વ્યકત કરી સેન્સર બોર્ડને બેન લગાડવાની માંગ કરી છે. તેમણે ચેતવણી પણ આપેલ કે જો સરકાર બેન નહી લગાડે તો આંદોલન કરશે અને જરૂર પડયે મુંબઇ કુચ પણ કરવાનું જણાવેલ.

જો કે વેબ સીરીઝના નિર્માતાએ ઉહાપોહ અને વિરોધ જોતા માફી માંગી લીધી છે. જો કે હઝરતગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ મામલે સખત કાર્યવાહી કરવાનું નકકી કરેલ અને ગઇકાલ જ અનિલકુમાર સિંહના નેતૃત્વમાં એક ટીમ મુંબઇ રવાના થયેલ. જે આજે ડાયરેકટર અલી અબ્બાસ ઝફર, હિમાંશુ કૃષ્ણ મહેરા, લેખક ગૌરવ સોલંકી અને એમેઝોનના ઇન્ડીયા હેડ અપર્ણા પુરોહિતની પુછપરછ કરશે.

આઇટી એકટની કલમમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઇ છે. જેથી પુછપરછ બાદ પોલીસ ધરપકડ પણ કરી શકે છે. જો કે તે અંગે નિવેદન બાદ જ નિર્ણય લેવાશે.

(2:55 pm IST)