મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

ગણતંત્ર દિવસ બાદ અયોધ્યામાં મંદિર - મસ્જીદના પાયાનું કામ શરૂ થશે

ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કામ શરૂ થઇ જશે : ચંપત રાય : ૨૩મીથી મસ્જીદની જમીનની માટીનું પરીક્ષણ : ૨૬મીએ ધ્વજારોહણ - વૃક્ષારોપણ

અયોધ્યા તા. ૧૯ : પ્રજાસત્તાક દિવસ ૨૬ જાન્યુઆરી બાદ રામ મંદિર અને મસ્જીદના પાયાનું કામ શરૂ થશે. તેને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે. રામ મંદિરના પાયાનું ફોર્મેટ તૈયાર છે અને પાયાના ખોદકામનું કામ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે.

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા મુજબ પાયાની ડીઝાઇન ઉપર એન્જીનિયરોએ મ્હોર મારી છે. દેશની ૧૦ મોટી ટેકનીકલ એજન્સીઓએ ૮ મહિના મંથન કરેલ. ૧ ફેબ્રુઆરીથી પાયાનું કામ શરૂ થવાની પુરી સંભાવના છે. બીજી તરફ ૨૬મીએ સવારે ૮.૩૦ વાગ્યે પરિસરમાં ધ્વજારોહણ બાદ મસ્જીદનો પાયો નખાશે. એ પહેલા ૨૩મીએ રૌનાહીની જમીનનું પરીક્ષણ પણ કરાશે. મસ્જીદના પાયાનું કામ પણ ૨૬મી પછી ઝડપથી શરૂ થશે. વૃક્ષારોપણ પણ કરાશે.

ઇન્ડો - ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સચિવ અતહર હુસૈનના જણાવ્યા મુજબ ૨૬ જાન્યુઆરીએ સવારે ૮.૩૦ વાગે ધનીપુર મસ્જીદ પરિયોજનાની ૫ એકર જમીન પર એક રાષ્ટ્રધ્વજ લહેરાવાશે. ત્યાર બાદ વૃક્ષારોપણ કરાશે. ત્યારબાદ ટ્રસ્ટીઓ મસ્જીદનો પાયો નાખશે. ચંપત રાયે જણાવેલ કે અમે વિચારેલ કે જુનના પ્રારંભથી મંદિર નિર્માણ શરૂ કરીશું તો ૩૯ મહિનામાં કામ પુરૃં થઇ જશે. પણ હજી ૭ મહિનાથી ટેકનીકલ, વૈજ્ઞાનિક, એન્જીનિયરીંગ, સ્ટડી, ટ્રાયલ, એકસપેરીમેન્ટ અને ટેસ્ટીંગ થઇ રહ્યું છે. ફાઉન્ડેશનનું કામ કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. માટી હટાવાઇ રહી છે. ૧ ફેબ્રુઆરીથી પાયાનું કામ શરૂ થાય તો ધારણા મુજબ ૩૯ મહિનામાં મંદિર સમાજને સમર્પિત કરી શકાશે.

ઇન્ડો - ઇસ્લામીક કલ્ચરલ ફાઉન્ડેશનના સચીવ અતહર હુસૈને જણાવેલ કે, ચેરમેન ઝફર અહમદ ફારૂકીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં નક્કી થયા મુજબ પાયાનો કાર્યક્રમ એકદમ સાદગી સાથે યોજાશે. ટ્રસ્ટના બધા ૯ સભ્યો હાજર રહેશે. મસ્જીદની સાથે હોસ્પિટલ, સંગ્રહાલય, પુસ્તકાલય, સામુહિક રસોડુ, રિસર્ચ સેન્ટર, પ્રકાશન હાઉસનું નિર્માણ થશે. ૨૬મીએ ધ્વજવંદન બાદ ટ્રસ્ટીઓ અને મુખ્ય ટ્રસ્ટી મસ્જીદની નીવ રાખશે.

(2:54 pm IST)