મુખ્ય સમાચાર
News of Tuesday, 18th December 2018

શું આપણે શાળાના બાળકો કરતા પણ ગયેલા-ગુજરેલા છીએ ?: હોબાળાથી નારાજ અધ્યક્ષે સાંસદોને ખખડાવ્યા

વારંવાર સંસદ સ્થગિત કરવા મામલે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન વ્યથિત

નવી દિલ્હી :સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયાને પાંચ દિવસ વીત્યા છતાં વિવિધ મુદ્દાઓને લઇને હોબાળો અને વારંવાર સંસદ સ્થગિત કરવા મામલે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનને સભ્યોને કહ્યું કે, શું આપણે શાળાના બાળકો કરતા પણ ગયેલા- ગુજરેલા થઇ ગયા છીએ.

 સંસદની કાર્યવાહી શરૂ થવા પર ભાજપ, કોંગ્રેસ, અન્નાદ્રમુક સહિતના પક્ષોના સભ્યો અલગ-અલગ મુદ્દે હોબાળો કરી રહ્યાં હતા. કોંગ્રેસ, અન્નાદ્રમુક, તેદેપા સભ્યો અધ્યક્ષ નજીક આવીને નારેબાજી કરી રહ્યાં હતા. જેના પર સુમિત્રા મહાજને કહ્યું કે, હું સમજી શકું છું કે આ વર્તમાન લોકસભાનું છેલ્લું પૂર્ણ સત્ર છે અને તમારા લોકોના પોતપોતાના મુદ્દા છે. સંસદ ચર્ચા માટે તૈયાર છે પરંતુ હોબાળોએ યોગ્ય રીત નથી. જો તમારા મુદ્દાઓ હોય તો હું ખુદ સરકારને કહીશ કે ચર્ચા કરાવવામાં આવે.

 લોકસભા અધ્યક્ષે સભ્યોને કહ્યું કે, વિદેશથી પ્રતિનિધિ મંડળ આવે છે અને લોકો પુછે છે કે તમારે ત્યાં શું થઇ રહ્યું છે. શાળાના બાળકોના સંદેશ આવે છે કે અમારી શાળાઓ તમારી કરતા સારી ચાલી રહી છે તો શું આપણે શાળાના બાળકો કરતા પણ ગયેલા-ગુજરેલા છીએ?

(11:52 pm IST)