મુખ્ય સમાચાર
News of Monday, 18th November 2019

અર્થતંત્રને લકવોઃ હજુ માઠા દિવસો આવશે

ખતરાની ઘંટડી વગાડતા આંકડાઃ ગ્રામિણ ક્ષેત્રે આવક ઘટવાથી તમામ વસ્‍તુઓની માંગ ઘટીઃ હજુ વધુ ઘટવાના એંધાણ : FMCG, ટ્રેકટર્સ, ટુ વ્‍હીલર્સ, સોનુ, રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે ડીમાન્‍ડ વધતી જ નથીઃ શ્રમ મજદુરી પણ ૭ વર્ષની સૌથી નીચી સપાટીએ

નવી દિલ્‍હી તા. ૧૮ :.. અર્થ વ્‍યવસ્‍થાના મોરચે ભારતની હાલત સુધરે તેવું નથી દેખાઇ રહ્યું. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જે રીતે વસ્‍તુઓની માંગ ઘટી રહી છે. તેના લીધે હાલત વધુ ખરાબ થઇ શકે છે. શુક્રવારે સરકારે માંગ બાબતે ઘણા બધા ઉતાર ચડાવ અને પરિસ્‍થિતીઓ બદલાઇ હોવાનો હવાલો આપીને ર૦૧૭-૧૮ નો ઘરેલુ માંગ અંગેનો સર્વે રીપોર્ટ જાહેર થતો રોકી દીધો હતો. પણ બધા સંકેતો જણાવી રહ્યા છે કે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ ની શરૂઆતથી જ ગ્રામ્‍ય વિસ્‍તારોની માંગણીની સ્‍થિતિ ખરાબ થતી ગઇ છે.

ઇન્‍ડીયન એકસપ્રેસે દેશની મુખ્‍ય કંપનીઓનું સંચાલન કરત લોકો સાથે વાત કરી જેથી ગ્રામ્‍ય વિસ્‍તારોની માંગ બાબતે તમામ સંકેતો જાણી શકાય. તે દરમ્‍યાન જાણવા મળ્‍યું કે દેશના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એફએમસીજી, ટ્રેકટર, દ્વિચક્રી વાહનોની માંગ નથી. આ ઉપરાંત સોનાની માંગમાં પણ ઘટાડો થયો છે. દેશભરની સોનાની માંગમાં અર્ધો હિસ્‍સો ગ્રામ્‍ય વિસ્‍તારોનો છે.

ગામડાની અર્થ વ્‍યવસ્‍થાની નબળી હાલત માટે મજૂરીના દરમાં થયેલો મામૂલી ઘટાડો જ નહીં પણ મજૂરી કામમાં થયેલો ઘટાડો પણ જવાબદાર છે. કેટલાક અર્થ શાષાીઓનું કહેવું છે કે રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્‍ટ્ર, ગુજરાત જેવા મોટા રાજયોમાં મોડેથી આવેલા વધારે વરસાદે ખેતીની આવકમાં ઘટાડો કરી નાખ્‍યો છે. એટલે ગ્રામ્‍ય વિસ્‍તારોની માંગમાં ઘટાડા માટે તેને પણ એક આધાર માનવામાં આવે છે. પબ્‍લીક ફાયનાન્‍સ સાથે સંકળાયેલા એક અર્થ શાષાીએ કહયું કે કેટલાક વર્ષોથી રોકાણમાં ઘટાડાના કારણે રોજગારનું નવુ સર્જન નથી થયુ એ સ્‍થિતિમાં આવક પણ ઘટી છે. ગામડામાંથી શહેરમાં રોજગાર માટે ગયેલા લોકોને પણ બહુ તકો નથી મળી. એટલે મોટી સંખ્‍યામાં લોકો ગામડામાં જ રહી ગયા છે.

(3:18 pm IST)