મુખ્ય સમાચાર
News of Friday, 18th October 2019

અફઘાનમાં મસ્જિદમાં બે બ્લાસ્ટમાં ૬૦થી વધુ મોત

બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા સેંકડોમાં : શુક્રવારની નમાઝ વેળા મસ્જિદમાં ધડાકાઓ : ઇસ્લામિક સ્ટેટ અથવા તાલિબાનની સંડોવણી હોવાની શક્યતા છે

નાગરહાર, તા. ૧૮ : અફઘાનિસ્તાનના નાગરહાર પ્રાંતમાં એક મસ્જિદમાં જુમ્માની નમાઝ વેળા આજે બે બ્લાસ્ટ થયા હતા જેમાં ૬૨થી વધુ લોકોના મોત થઇ ગયા છે જ્યારે અન્ય ૬૦થી વધુ નમાઝી ઘાયલ થયા છે. ઘાયલ થયેલા નમાઝી પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધી શકે છે. આ બનાવ બપોરે બે વાગે બન્યો હતો. હુમલો હસ્કામેયના જિલ્લાના જાડેરા વિસ્તારમાં સ્થિત મસ્જિદમાં બન્યો હતો. હુમલાખોર ત્રાસવાદી સંગઠને હજુ સુધી કોઇ જવાબદારી સ્વીકારી નથી પરંતુ આ બ્લાસ્ટના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઘાયલ થયેલા મોટાભાગના લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો દ્વારા વારંવાર આ પ્રકારના હુમલા કરીને રક્તપાત સર્જવામાં આવે છે. ફરી એકવાર પ્રચંડ હુમલો કરવામાં આવ્યો છે.

            હાલના સમયમાં થયેલા હુમલા પૈકી સૌથી મોટા હુમલા તરીકે આને ગણવામાં આવે છે. મસ્જિદમાં જુમ્માની નમાઝ વેળા મોટી સંખ્યામાં નમાઝી એકત્રિત થયા હતા ત્યારે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ખુબ જ ગુપ્તરીતે બોંબ પ્લાન્ટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. આના કારણે સુરક્ષા સંસ્થાઓની ખામી પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કારણ કે, મસ્જિદમાં બ્લાસ્ટ કરવા માટે બોંબ મુકવામાં આવ્યા હતાતે બાબતની સુરક્ષા સંસ્થાઓને જાણ થઇ ન હતી. શુક્રવારની નમાઝ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. સંયુક્તરાષ્ટ્રે કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં હિંસાને કોઇ રીતે ચલાવી લેવાઈ નહીં. તેમણે એમ પણ કહ્યું છે કે, ભોગ બનેલા લોકો નમાઝ અદા કરવા માટે આવ્યા હતા.

          બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં અધિકારીઓના કહેવા મુજબ મોતનો આંકડો ૬૦થી ઉપર પહોંચ્યો છે. ઘાયલોની સંખ્યા ૬૦ જેટલી દર્શાવવામાં આવી છે. હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી પરંતુ અફગાનિસ્તાનમાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ ગ્રુપની હંમેશા હાજરી રહી છે. આ બે પૈકી કોઇ એક સંગઠનનો હાથ હોઈ શકે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પહેલી જુલાઈ બાદથી ૧૧૭૪ લોકોના મોત થઇ ચુક્યા છે.

(9:55 pm IST)