મુખ્ય સમાચાર
News of Friday, 18th October 2019

આઈએનએક્સ કેસમાં અંતે ચાર્જશીટ દાખલ કરી દેવાઈ

ચાર્જશીટમાં પી ચિદમ્બરમ સહિત ૧૪ લોકોના નામ : કાર્તિ ચિદમ્બરમ, ઇન્દ્રાણી મુખર્જી અને પીટરમુખર્જીના નામનો ઉલ્લેખ

નવીદિલ્હી, તા. ૧૮ : સનસનાટીપૂર્ણ આઈએનએક્સ મિડિયા મામલામાં ચિદમ્બરમની સામે મુશ્કેલીઓ સતત વધી રહી છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સહિત ૧૫ લોકોની સામે આઈએનએક્સ મિડિયા કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. આમા પૂર્વ મિડિયા કારોબારી પીટર મુખર્જી, ઇન્દ્રાણી મુખર્જીના નામનો સમાવેશ થાય છે. આ મામલાની વધુ સુનાવણી ૨૧મી ઓક્ટોબરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. ચાર્જશીટમાં કુલ ૧૪ લોકોના નામનો સમાવેશ થાય છે જેમાં તમામ મોટી હસ્તીઓનો સમાવેશ થાય છે. દિલ્હીની કોર્ટે ગુરુવારના દિવસે ચિદમ્બરમને ૨૪ ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં પુછપરછ માટે મોકલી દેવામાં આવ્યા હતા. દરેક ૪૮ કલાકમાં તેમની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આની સાથે સાથે કોર્ટે ચિદમ્બરમને ઇડીની કસ્ટડી દરમિયાન ઘરમાં બનેલા ભોજન, પશ્ચિમી પદ્ધતિના ટોયલેટ, દવાઓનો ઉપયોગ કરવાની પણ મંજુરી આપી દીધી છે. ચિદમ્બરમ હાલમાં ૨૪મી ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં છે. આગામી દિવસોમાં આ કેસમાં પણ મામલો આગળ વધી શકે છે.

(7:50 pm IST)