મુખ્ય સમાચાર
News of Friday, 18th October 2019

PMC બેંકમાં રૂ.૬૫૦૦ કરોડનું કૌભાંડઃ રેકોર્ડથી રૂ.૧૦.૫ કરોડની રોકડ ગાયબઃ તપાસમાં ખુલ્યું

એક દાયકાથી નાણાકીય ગોટાળો ચાલતો હતોઃ હજુ ૫૦થી પપ લાખનો હિસાબ જ નથી મળતો

મુંબઈ, તા.૧૮: પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ (PMC) બેંક કૌભાંડ મામલે બેંકની આંતરિક તપાસ ટીમે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટીમે કહ્યું છે કે બેંકના રેકોર્ડમાં કુલ ૧૦.૫ કરોડ રુપિયા કેશ ગાયબ છે. ઈન્વેસ્ટિગેશન ટીમે HDIL અને તેના સંબંધિત કંપનીઓ દ્વારા મળેલા મેલની તપાસ કરી છે. આ ચેક કયારેય બેંકમાં જમા કરવામાં નથી આવ્યા, છતાં તેમને કેશ આપવામાં આવી છે. સાથે જ એક આશ્યર્ય જનક બાબત એ છે કે આ કૌભાંડ ૪,૩૫૫ કરોડનું નથી, પણ ૬૫૦૦ કરોડ રુપિયાથી વધુનું છે.

પીએમસી બેંકની આંતરિક ટીમને જે ચેક મળ્યા છે, તે ૧૦ કરોડ રુપિયાથી વધુના છે. બાકી ૫૦-૫૫ લાખ રુપિયાનો કોઈ હિસાબ નથી. આ સિવાય બેંક અધિકારીઓએ કૌભાંડની રકમ પહેલા ૪,૩૫૫ કરોડ રુપિયા ગણાવી હતી, જે હવે ૬૫૦૦ કરોડને પાર થઈ ગઈ છે.

બેંકના રેકોર્ડ માંથી માત્ર ૧૦.૫ કરોડ રુપિયા ગાયબ થવાની માહિતી મળી હતી, જયારે આરબીઆઈ દ્વારા નિયુકત ટીમ દ્વારા બેંકની નાણાંકીય લેવડ-દેવડની આંતરિક તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં કૌભાંડની રકમ વધુ હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, HDIL અને ગ્રુપ કંપનીઓ કેશ ઈચ્છતી હતી. તેમણે પાછલા બે વર્ષમાં બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેકટર જોય થોમસને ચેક મોકલ્યો. થોમસે તેમને કેશ આપ્યા, પણ બેંકમાં ચેક જમા ના કર્યા. બેંકની રેકોર્ડ બૂકમાં ચેકની એન્ટ્રી નથી કરી. શંકા છે કે થોમસે ૫–૫૫ લાખ પોતાની પાસે રાખ્યા છે.

(10:51 am IST)