મુખ્ય સમાચાર
News of Friday, 18th October 2019

સીઈઓ સત્ય નાડેલાનો પગાર વાર્ષિક ૩૦૦ કરોડ રૂપિયા છે

સીઈઓ સત્ય નાડેલાના પગારમાં ૬૬ ટકા સુધીનો વધારો : બિઝનેસ ટાર્ગેટને હાંસલ કરવા, કંપની શેરની કિંમતમાં વધારો થયા બાદ નાડેલાના પગારમાં ઉલ્લેખનીય વધારો

વોશિંગ્ટન, તા. ૧૭ : અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટે પોતાના સીઇઓ સત્ય નાડેલાના પગારમાં બમ્પર વધારો કરી દીધો છે. નાડેલાને નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ૪.૨૯ કરોડ અથવા તો ૩૦૦ કરોડનો પગાર મળ્યો છે જેમાં મોટાભાગનો હિસ્સો કંપનીના શેરમાં છે. આજે જારી કરવામાં આવેલા માઇક્રોસોફ્ટના વાર્ષિક પ્રોક્સી સ્ટેટમેન્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. સત્ય નાડેલાને આ ભેંટ બિઝનેસ ટાર્ગેટને હાંસલ કરવા અને કંપનીના શેરની કિંમતમાં વધારો કરવાના પરિણામ સ્વરુપે આપવામાં આવ્યો છે. નાડેલાને નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪માં આશરે ૫૯૦ કરોડ રૂપિયાનો પગાર મળ્યો હતો. માઇક્રોસોફ્ટના સીઈઓની આવકમાં મોટાભાગનો હિસ્સો શેરનો રહ્યો છે. નાડેલાના પગારમાં ૬૬ ટકા સુધીનો રેકોર્ડ વધારો કરવામાં આવ્યો છે.

               તેમના આંકડાને લઇને જુદા જુદા નિષ્ણાતોમાં પણ ચર્ચાઓ રહી છે. જો કે, આ સંદર્ભમાં વધુ વિગતો હજુ સુધી પ્રાપ્ત થઇ નથી પરંતુ નાડેલાના પગારને લઇને અર્થશાસ્ત્રીઓમાં પણ ભારે ચર્ચા રહી છે. સત્ય નાડેલાને દુનિયાના સર્વશ્રેષ્ઠ સીઈઓ પૈકીના એક તરીકે ગણવામાં આવે છે. ભારતીય મૂળના સત્ય નાડેલાએ મોટાભાગે માઇક્રોસોફ્ટમાં ઉલ્લેખનીય સેવા આપીને કંપનીને પ્રભાવિત કરવામાં સફળતા મેળવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે તેઓએ નાડેલા સાથે પણ વાતચીત કરી હતી. ટોચની કંપનીઓના સીઈઓ સાથે જ્યારે બેઠક યોજાઈ ત્યારે સત્ય નાડેલા પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. માઈક્રોસોફ્ટ દુનિયાની સૌથી અગ્રણી કંપનીઓ પૈકીની એક તરીકે રહી છે અને બિલ ગેટ્સ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે.

(8:25 am IST)