મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

દેશમાં કરોડપતિની સંખ્યા ૩.૪૩ લાખ થઇ

એક વર્ષમાં ૭૩૦૦ નવા કરોડપતિ બન્યા છેઃ કરોડપતિની પાસે સામૂહિકરીતે ૪૪૧ લાખ કરોડ રૃપિયા

મુંબઈ, તા. ૧૮: વધતી જતી અસમાનતાથી ઉભી થયેલી ચિંતા વચ્ચે દેશમાં કરોડપતિઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા એક વર્ષના ગાળામાં ભારતમાં કરોડપતિઓની ક્લબમાં ૭૩૦૦ નવા લોકો સામેલ થઇ ગયા છે. આ રીતે દેશમાં કરોડપતિઓની સંખ્યા ૩.૪૩ લાખ થઇ ચુકી છે. તેમની પાસે સામૂહિકરીતે આશરે ૬ ટ્રિલિયન ડોલર એટલે કે ૪૪૧ લાખ કરોડ રૃપિયાની સંપત્તિ છે. નાણાંકીય સેવા કંપની ક્રેડિટ સુઇસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સૌથી વધારે મહિલા અબજોપતિવાળા દેશોમાં સામેલ છે. ૨૦૧૮ના મધ્ય સુધી ભારતમાં કુલ ૩ લાખ ૪૩ હજાર કરોડપતિ હતા. છેલ્લા એક વર્ષમાં તેમની સંખ્યામાં ૭૩૦૦નો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં નવા બનેલા કરોડપતિઓમાં ૩૪૦૦ની પાસે પાંચ-પાંચ કરોડ ડોલર એટલે કે ૩૬૮-૩૬૮ કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ છે જ્યારે ૧૫૦૦ની પાસે ૧૦-૧૦ કરોડ ડોલર એટલે કે આશરે ૭૩૬-૭૩૬ કરોડ રૃપિયાની સંપત્તિ છે. આ અવધિમાં ડોલરની દ્રષ્ટિએ દેશમાં અબજોપતિની સંપત્તિ ૨.૬ ટકાના વધારા સાથે ૬૦૦૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. અલબત્ત દેશમાં પ્રતિવ્યક્તિ સંપત્તિ ૭૦૨૦ ડોલર ઉપર રહી છે. આનુ મુખ્ય કારણ ડોલરની સામે રૃપિયામાં ઘટાડો છે. ૨૦૨૩ સુધી ભારતમાં કરોડપતિની સંખ્યા અને ગરીબ અને અમીર વચ્ચે અંતર વધશે. તે વખતે અસમાનતા ૫૩ ટકાથી વધુ વધી જશે. ૨૦૨૩ સુધી કરોડપતિની સંખ્યા ૫૨૬૦૦૦ રહેશે જે ૮૮૦૦ અબજ ડોલર સંપત્તિના માલિક હશે.

(10:05 pm IST)