મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

સબરીમાલા મંદિર જઇ રહેલી ન્યૂયોર્ક ટાઇમ્સની મહિલા પત્રકાર પર પથ્થરમારો

મહિલા પત્રકારે હાજર લોકોને એવું સ્પષ્ટ કહ્યું હતું કે તે શ્રધ્ધાળુ નથી તેમજ મંદિરમાં પ્રવેશ કરવાનો તેનો કોઇ ઇરાદો નથી

સબરીમાલા તા. ૧૮ : ન્યૂયોર્ક ટાઇમ્સના બે પત્રકારોએ આજે સબરીમાલા મંદિર તરફ પ્રયાણ કરવાનો પોતાનો વિચાર બદલવો પડ્યો હતો. મંદિર તરફ જઈ રહેલા બંને પત્રકારો પર ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો અને તેમનો રસ્તો રોકી લીધો હતો.

ન્યૂયોર્ક ટાઇમ્સની દિલ્હી સ્થિત પત્રકાર સુહાસિની રાજ અને તેની એક સાથી સબરીમાલા મંદિર જવા માટે પામ્બા ગેટ સુધી પહોંચી હતી. જોકે, લોકોએ વિરોધ કરતા બંનેએ પરત ફરવું પડ્યું હતું.

સુહાસિનીએ હાજર લોકોને એવું સ્પષ્ટ કહ્યું હતું કે તે શ્રદ્ઘાળુ નથી તેમજ મંદિરમાં પ્રવેશ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. પરંતુ દેખાવકારોએ તેની કોઈ વાત સાંભળની ન હતી અને તેને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.

સુહિસીનીએ જણાવ્યું હતું કે, 'શ્રદ્ઘાળુઓએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો. દેખાવકારો અમારી સામે સૂત્રોચ્ચાર કરતા રસ્તા વચ્ચે બેસી ગયા હતા. મારી પાસે કોઈ રસ્તો ન હોવાથી હું પરત ફરી હતી.'

નોંધનીય છે કે સુહાસિની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર ખાતે ન્યૂઝ કવર કરવા માટે જઈ રહી હતી. મંદિર બહાર બંનેનો વિરોધ થતાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ દરમિયાનગીરી કરી હતી. જોકે, દેખાવકારો કાબૂ બહાર જઈ રહ્યા હોવાથી બંને પત્રકાર પરત ફરી હતી. સુપ્રીમના ચુકાદા બાદ બુધવારે પ્રથમ વખત મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે માર્ચ કરી હતી. જોકે, દેખાવકારોએ ૧૦થી ૫૦ વર્ષની ઉંમરની કોઈ પણ મહિલાને મંદિરમાં પ્રવેશ કરવા દીધો ન હતો. આ દરમિયાન દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. દેખાવકારોએ અનેક મહિલા પત્રકારો સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

(3:53 pm IST)