મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાંથી ઇન્ચાર્જ અલ્પેશ ઠાકોરની બાદબાકી

અલ્પેશ ઠાકોરને નિમંત્રણ ન મોકલાયું

પટણા તા. ૧૮ : ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા માટે ઉશ્કેરણી કરવાના આરોપનો સામનો કરી રહેલા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે બિહારમાં થનારા કાર્યક્રમ માટે આમંત્રણ નથી અપાયું. અલ્પેશ ઠાકોર બિહારના સહ-પ્રભારી પણ છે, અને તેઓ રાહુલ ગાંધીના કરીબી પણ ગણાય છે. તેમ છતાંય અલ્પેશની બિહારમાં થનારા કાર્યક્રમમાંથી બાદબાકી કરાઈ છે.

પટણામાં એક પ્રેસ કોન્ફરન્સમાં બિહાર કોંગ્રેસના પ્રમુખ મદન મોહન ઝા અને કેમ્પેઈન કમિટિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે, ૨૧ ઓકટોબરે થનારા કાર્યક્રમમાં પક્ષના ટોચના નેતાઓ તેમજ સાથી પક્ષના આગેવાન પણ હાજર રહેશે. જોકે, તેમને જયારે પૂછવામાં આવ્યું કે અલ્પેશ ઠાકોર આ કાર્યક્રમમાં આવશે કે નહીં? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરને નિમંત્રણ નથી મોકલાયું.

અલ્પેશ ઠાકોરને નિમંત્રણ ન મોકલવા પાછળ ગુજરાતમાં તાજેતરમાં બિહારના લોકો પર થયેલા હુમલાની ઘટના જવાબદાર છે કે કેમ તે અંગે કોંગ્રેસે કોઈ સ્પષ્ટતા નહોતી કરી. પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, બિહારના ઈન-ચાર્જ બન્યા બાદ અલ્પેશ ઠાકોર એક જ વાર અહીં આવ્યા છે. જોકે, ગુજરાતમાં ઉત્તર ભારતીયો સામે હિંસા બદલ પક્ષે ભાજપ સરકારને જ દોષિત ગણાવી હતી.

બિહાર કોંગ્રેસે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, ક્રિશ્ના સિંહના જન્મદિનની ઉજવણીમાં શકિતસિંહ ગોહિલ પણ હાજર નહીં રહે તેવા અહેવાલ ખોટા છે. શકિતસિંહ તેમજ આરજેડીના નેતા તેજસ્વી યાદવ તેમાં હાજરી આપશે. બિહારના પહેલા સીએમ ક્રિશ્ના સિંહ ભૂમિહર સમુદાયના હતા, અને તેમનું ૧૯૬૧માં અવસાન થયું હતું. તેમના જન્મદિનની ઉજવણીથી કોંગ્રેસ ભૂમિહર જેવી ઉચ્ચવર્ગની વોટબેંકને પોતાના તરફ આકર્ષવા માગે છે.

(3:52 pm IST)