મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

આઈસીઆઈસીઆઈ બેંકમાં વધુ એક લોન કૌભાંડઃ મુંબઈ સ્થિત હીરાની પેઢીએ લગાવ્યો કરોડોનો ચુનો

શેલ કંપનીઓનો ઉપયોગ કરી બેંકને માર્યુ બુચ

મુંબઈ, તા. ૧૮ :. આઈસીઆઈસીઆઈ બેંકે મુંબઈ સ્થિત હીરા કંપની શ્રીનુજ એન્ડ કંપનીના ૧૧ અધિકારીઓ વિરૂદ્ધ બેંકને છેતરવા માટે અમેરિકી અદાલતનો દરવાજો ખખડાવ્યો છે. વ્યાજ અને કાયદાકીય ફી ઉપરાંત તેની પાસેથી ૧૨ મીલીયન ડોલર (લગભગ ૮૮.૫૦ કરોડ રૂપિયા) વસુલવાની માંગણી કરી છે. ૪ ઓકટોબરે ફાઈલ કરાયેલી બેંકની અરજીમાં કહેવાયું છે કે, મુંબઈ સ્થિત શ્રીનુજ, જે હાલમાં નાદારીનો સામનો કરી રહી છે. તેણે પોતાની અમેરીકન સહાયક કંપની સાઈમન એન્ડ ગોલબ એન્ડ સન્સ (એસજી) અને સંયુકત આરબ અમીરાતમાં સેલ કંપનીઓના માધ્યમથી ફંડને ડાયવર્ટ કરી દીધુ છે. આઈસીઆઈસીઆઈ બેંકે પોતાની ન્યુયોર્ક શાખાના માધ્યમથી પ્રમોટર વિશાલ દોશી અને શ્રીનુજના ૧૦ અન્ય અધિકારીઓ અને તેની સાથે સંકળાયેલી અન્ય કંપનીઓ સામે રેકેટીઅર ઈન્ફલ્યુઅંસ્ડ અને કરપ સંગઠન (આરઆઈસીઓ) અધિનિયમ હેઠળ ન્યુયોર્કની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

બેંકની કાયદાકીય ફર્મ સભરવાલ અને ફીંકેલ એલએલસી તરફથી રજુ થયેલ અરજીમાં કહેવાયુ છે કે, પ્રતિવાદી (૧૧ અધિકારીઓ) સહષડયંત્રકારીઓ રૂપે સાથે કામ કરે છે, જે ભારતથી અમેરિકા, સંયુકત આરબ અમીરાત સુધી દુનિયાભરમાં ફેલાયેલા છે અને છેતરપીંડી કરવામાં લાગેલા છે. આઈસીઆઈસી બેંકનો દાવો છે કે લોન સુવિધાઓ વધારવા અને ચાલુ રાખવા માટે શ્રીનુજે એસજી અને સંયુકત આરબ અમીરાતની શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો. શ્રીનુજે બોગસ કંપનીઓના માધ્યમથી ૨ જુલાઈ ૨૦૦૮થી માર્ચ ૨૦૧૬ સુધી ઘણા ટ્રાન્ઝેકશનો કર્યા હતા. અરજી અનુસાર, અનુજની અમેરિકી સહાયક એસજીએ ૨૦૦૮માં ૨૦ મીલીયન ડોલર માટે ક્રેડીટ સગવડની સમજુતી કરી હતી. માર્ચ ૨૦૧૬ સુધી, એસજીછએ આઈસીઆઈસીઆઈ બેંકને ૧૮.૮ મીલીયન ડોલર ચુકવ્યા હતા. જેમાંથી ૩.૬ મીલીયન ડોલર ક્રેડીટ લેટરનાના રૂપમાં અને ૧૫.૨ મીલીયન ડોલર રીવોલ્વીંગ ક્રેડીટ ફેસેલીટીઝ રૂપે હતા. રીવોલ્વીંગ ક્રેડીટ અથવા લોન સુવિધા હેઠળ લોન લેનાર નિર્ધારીત સમયગાળામાં કયારેય પણ લોનનું ચુકવણુ કરી શકે છે. જો કે તેના માટે તેણે કમિશન ચુકવવું પડે છે. આઈસીઆઈસીઆઈ બેંક અનુસાર, મે ૨૦૧૬માં એસજીએ બેંકને એક નાણાકીય સ્ટેટમેન્ટ આપ્યુ હતું. જેના દ્વારા જાણવા મળ્યુ કે કંપની આ લોન ચુકવી શકે તેવી સ્થિતિમાં નથી.(૨-૧)

 

(11:30 am IST)