મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

મુંબઇમાં રેમન્ડ ગ્રુપના સંસ્થાપક અને તેના પુત્ર વચ્‍ચેનો ઝઘડો વધુ વકર્યો

મુંબઈઃ રેમંડ ગ્રુપના સંસ્થાપક વિજયપત સિંઘાનિયા અને તેના દીકરા ગૌતમ સિંઘાનિયા વચ્ચેનો ઝગડો સતત વધુ વકરી રહ્યો છે. તાજેતરમાં રેમન્ડ ગ્રુપ દ્વારા વિજયપતને એક પત્ર લખી જાણ કરવામાં આવી કે તેમને કંપનીના માનદ ચેરમેન પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. પત્ર મળતા સિંઘાનિયાએ પહેલા કંપની સેક્રેટરી અને પછી બોર્ડના ચેરમેનને પત્ર લખીને ફરિયાદ કરી કે તેમને બોર્ડની બેઠકો અંગે જાણકારી આપવામાં આવી નથી.

જેમણે કંપની બનાવી તેમને કંપનીમાંથી બહાર કઢાયા

વિજયપત સિંઘાનિયાના નામે 7 સપ્ટેમ્બરના રોજ રેમન્ડના એક ડિરેક્ટર દ્વારા તેમને માનદ અધ્યક્ષ ટાઇટલ ઉપયોગ કરવાની ના પાડવામાં આવી હતી. જેથી વિજયપતે પત્ર લખીને જાણ કરી હતી કે જ્યાં સુધી તમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેવો બોર્ડના નિર્ણયનો પુરાવો આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આદેશ નહીં માને . સિંઘાનિયાને આપવામાં આવેલ પત્ર પર થોમસ ફર્નાન્ડિસની સહી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે પરિવારમાં શું ચાલે છે તેનાથી કંપનીને કોઈ લેવા દેવા નથી. પરંતુ કંપનીને સિંઘાનિયાના વ્યવહારના કારણે તેમની પાસેથી માનદ ચેરમેનનું ટાઇટલ લઈ લીધું છે.

પદ્મભૂષણ સહિતના મેડલ દીકરાએ રાખી લીધાનો આરોપ

પહેલા બોર્ડને ઉલ્લેખીને સિંઘાનિયાએ 30 ઓગસ્ટના રોજ પત્રમાં પોતાને કંપનીમાંથી હટાવવા માટે પોતાના દીકાર દ્વારા કુટનીતિ વાપરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગૌતમ સિંઘાનિયાએ તેમનો પદ્મભૂષણ મેડલ, પેંટિંગ્સ અને બીજી અનેક તસવીરો જેવી અનેક બહુમૂલ્ય વસ્તુઓ પરત આપવાની ના પાડી દીધી હતી.

ગૌતમ સિંઘાનિયાએ તમામ આરોપ નકાર્યા

તો બીજી તરફ ગૌતમ સિંઘાનિયાએ તમામ આરોપો નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મારા પિતાને યાદ નથી કે તેમણે પોતાની વસ્તુઓ ક્યાં રાખી દીધી છે. મારી પાસે તેમની એક પણ વસ્તુ નથી. બધી વસ્તુઓ મારી પાસે રાખીને મારે કરવું પણ શું છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘હું પણ મારા પિતાના વ્યવહારથી દુખી છું. જો તેમને કોઈ સમસ્યા હોય તો હું તેમની સામે બેસીને તેના ઉકેલ માટે તૈયાર છું. પરંતુ જયાં સુધી કંપનીની વાત છે ત્યાં સુધી તેમના માનદ ચેરમેન નહીં રહેવા અંગે મારે કોઈ લેવાદેવા નથી.’

(12:00 am IST)