મુખ્ય સમાચાર
News of Saturday, 18th September 2021

ફ્રાન્સનો મોટો નિર્ણય : અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સ્થિત રાજદૂતોને એકાએક પાછા બોલાવી લીધા

ઑસ્ટ્રેલિયાએ પરંપરાગત સબમરીનો અંગે ફ્રાન્સ સાથે કરેલો સોદો અચાનક જ રદ કરી અમેરિકાની ન્યુકલિયર સબમરીન્સ ખરીદવા નિર્ણય કર્યો

નવી દિલ્હી :  ફ્રાન્સે 17મી સપ્ટેમ્બરે મોડી રાત્રે તેના અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સ્થિત રાજદૂતોને એકાએક પાછા બોલાવી લીધા છે તેનું કારણ એ છે કે ઑસ્ટ્રેલિયાએ પરંપરાગત સબમરીનો અંગે ફ્રાન્સ સાથે કરેલો સોદો અચાનક જ રદ કરી અમેરિકાની ન્યુકલિયર સબમરીન્સ ખરીદવા નિર્ણય કર્યો છે.

આ અંગે ફ્રેન્ચ વિદેશ મંત્રી જીન-વ્યેઝ-લ- ડેરીયને એક લિખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, ઑસ્ટ્રેલિયાએ ફ્રાન્સની પરંપરાગત સબમરીન્સ ખરીદવાનો સોદો રદ કરી અમેરિકાની ન્યુક્લિયર સબમરીન્સ ખરીદવા લીધેલો નિર્ણય અમારા આ નિર્યણને યોગ્ય ઠરાવે છે. સાથીઓ અને સહભાગીઓ (ભાગીદારો) સાથે કરાયેલું આવું વર્તન પૂર્ણતઃ અસ્વીકાર્ય છે.

આ અંગે આજે (તા. 18મીએ) પોતાના પ્રતિભાવો આપતાં ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે, ફ્રાન્સની સબમરીનો ખરીદવાનો સોદો રદ કરી અમેરિકાનું ન્યુક્લિયર સબમરીન ખરીદવાના અમારા નિર્ણયને લીધે ફ્રાન્સે તેના રાજદૂત પાછા બોલાવી લેવા સુધીના લીધેલા આ પગલાથી અમોને આશ્ચર્ય થયું છે.

આ પૂર્વે તા. 17મી સપ્ટેમ્બરે (ગઈકાલે) એક ફ્રેન્ચ રાજદ્વારીએ કહ્યું હતું કે, અમેરિકા સાથેના અમારા સંબંધોમાં કટોકટી પ્રવર્તે છે. સહજ રીતે જ પોતાનો નામોલ્લેખ કરવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, આ તો યુરોપ અને અમેરિકા વચ્ચેની ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી ઉપર પણ અસર કરી શકે તેમ છે. જો કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેક્રોને આ વિષે કશું પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

(8:44 pm IST)