મુખ્ય સમાચાર
News of Saturday, 18th September 2021

પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

રસીકરણનો રેકોર્ડ જોઇને અમુક લોકોને તાવ આવી ગયો

કોરોના સામે તો વેકસીન મળી ગઇ પણ રાજનૈતિક તાવનો ઇલાજ નથી

નવી દિલ્હી તા. ૧૮ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએવીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવાના આરોગ્ય કર્મચારીઓ અને રસીના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ આરોગ્ય કર્મચારીઓ પાસેથી તેમના અનુભવો અંગે વાત કરીઅને કોરોના મહામારીનો સામનો કરવામાં તેમના કામની પ્રશંસા કરી. આ દરમિયાન પીએમે સંસદમાં હંગામો મચાવનાર કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રસીકરણનો રેકોર્ડ જોઈને એક પક્ષને તાવ આવી રહ્યો છે. ચોખી વાત છે કે તેમનો ઈશારો કોંગ્રેસ તરફ હતો.

રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે દરેકની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારૃં લક્ષ્ય દરેક નાગરિકને રસી આપવાનું છે, જેથી કોરોનાનું જોખમ ઘટાડી શકાય. પીએમ મોદીએ કહ્યું કે જે રીતે ફ્રન્ટ લાઇનના કર્મચારીઓએ જોખમ વચ્ચે પોતાની જવાબદારી નિભાવી તે પ્રશંસાને પાત્ર છે. દેશ હંમેશા તેમનો આભારી રહેશે.

રસીની ગતિએ કટાક્ષ કરનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પરોક્ષ નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને રસીકરણનો રેકોર્ડ જોયા બાદ તાવ આવ્યો છે. ખાસ કરીને એક પક્ષ આ તાવથી વધુ પીડાય છે. તેમણે કહ્યું કે આપણા વૈજ્ઞાનિકોએ કોરોના સામે લડવા માટે રસી શોધી નાખી છે, પરંતુ આ રાજકીય તાવની સારવાર કયાંથી મેળવવી?

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રસીના લાભાર્થીઓ સાથે વાતચીતમાં પીએમે તેમના મંતવ્યો અને અનુભવો જાણ્યા. પીએમ મોદીએ લોકોને એ પણ પૂછ્યું કે શું તેમને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વડાપ્રધાને કહ્યું કે સરકારે પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે કે દેશના લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે વેપારીઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ટેકસ સંબંધિત પ્રક્રિયાઓને પણ સરળ બનાવી છે.  વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારું લક્ષ્ય દરેક નાગરિકને રસી આપવાનું છે, જેથી કોરોનાનું જોખમ ઘટાડી શકાય.

(3:40 pm IST)