મુખ્ય સમાચાર
News of Friday, 18th September 2020

અમેરિકામાં પણ રવિવારથી ટિકટોક એપ ઉપર પ્રતિબંધ

અવરચંડા ચીન પર અમેરિકા પણ ખફા : ચીનને આંચકો : અમેરિકન કંપની ઓરેકલ ટિકટોક ખરીદે એ પહેલાં ટ્રમ્પનું પગલું, વી ચેટ ઉપર પણ પાબંદી લદાઈ

વોશિંગ્ટન, તા. ૧૮ : ચાઇનીઝ વીડિયો એપ ટિકટોક માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારથી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. રિપોર્ટ પ્રમાણે ટિકટોક ઉપરાંત વી ચેટને પણ રવિવારથી અમેરિકામાં ડાઉનલોડ નહીં કરી શકાય. અમેરિકામાં ટિકટોકના લગભગ ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ યૂઝર્સ છે. આ પહેલા ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લદાયો હતો. આ કાર્યવાહી પહેલા સમાચાર આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતુ કે ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ટિકટોક વિશે નિર્ણય કરવા માટે વૉલમાર્ટ અને ઓરેકલ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી છે. ગત મહિને ટ્રમ્પે ટિકટૉક અને વીચેટ પર પ્રતિબંધ લગાવવા માટે એક કાર્યકારી આદેશ પર સહી કરી હતી, જે અંતર્ગત બંને ચીની કંપનીઓ પોતાની માલિકી કોઈ અમેરિકી કંપનીને આપીને પ્રતિબંધથી બચી શકે છે. અત્યારે ટિકટોકની માલિકી બેઇજિંગની બાઇટડાન્સની પાસે છે.

શરૂઆતમાં ટિકટોક સાથે વાતચીતમાં માઇક્રોસોફ્ટ સામેલ હતું. જોકે હવે ઓરેકલ અને વૉલમાર્ટ આ સંબંધમાં બાઇટડાન્સની સાથે વાતચીત કરી રહી છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ ટિકટોક માટે અમેરિકી કંપની ઓરેકલની કથિત બોલી પર ધ્યાન આપી રહ્યા છે, પરંતુ તેઓ કરારને મંજૂરીઆપવાથી પહેલા એ ખાતરી કરવા ઇચ્છે છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ના થાય. આ દરમિયાન બાઇટડાન્સે ટિકટોકનું વૈશ્વિક મુખ્યમથક અમેરિકામાં સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધથી બચવા માટે કંપનીએ આ રસ્તો અપનાવ્યો છે.

(9:24 pm IST)