મુખ્ય સમાચાર
News of Friday, 18th September 2020

ફિલ્‍મ કરિયરમાં સુશાંતસિંહ રાજપૂતે 60 કરોડની કમાણી કરીઃ ડ્રગ્‍સ પ્રકરણમાં વધુ એક અભિનેત્રીનું નામ ખુલ્‍યુઃ મોત પહેલા કેટલા પૈસા ક્‍યાં-ક્‍યાં ખર્ચ કર્યા તેની વિગતો જાહેર

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહ કેસ સંબંધિત કેટલીક બેંક ડિટેલ્સ મળી છે જેનાથી આ કેસના અનેક રહસ્યો પરથી પડદા ઉઠશે. આ બેંક ડિટેલ્સથી જાણવા મળશે કે સુશાંત સિંહના મોત પહેલા  કેટલા પૈસા ક્યાં ક્યાં ખર્ચ કરાયા. જેમાં સુશાંતની પાઈ પાઈનો હિસાબ છે.

'છીછોરે' પાર્ટી માટે 40 હજાર રૂપિયાનો ખર્ચ

આ બેંક ડિટેલ્સમાં એ વાતનો પુરાવો છે કે 28 માર્ચ 2019ના રોજ સુશાંતના પવાના ફાર્મ હાઉસ પર ફિલ્મ 'છીછોરે'ની પાર્ટી થઈ હતી. 28 માર્ચે જ છીછોરે પાર્ટી માટે 40 હજાર રૂપિયા ખર્ચા હોવાની જાણકારી મળે છે.

સારા બાદ વધુ એક અભિનેત્રીનું નામ સામે આવ્યું

આ ઉપરાંત એનસીબી સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. પાર્ટીમાં બોલિવુડની એક અભિનેત્રીએ પણ ડ્રગ્સનું સેવન કર્યું હતું. રિયા ચક્રવર્તી અને દીપેશ સાવંતે NCBની પૂછપરછમાં આ અભિનેત્રીના નામનો ખુલાસો કર્યો છે. જલદી આ અભિનેત્રીની મુશ્કેલી પણ વધવાની છે. એટલે કે સારા અલી ખાન બાદ હવે આ અભિનેત્રી પણ NCBના રડાર પર છે.

ફિલ્મ કરિયરમાં સુશાંતે 60 કરોડ રૂપિયા કમાણી કરી હતી

આ બેંક અકાઉન્ટની નોમિની સુશાંતની બહેન પ્રિયંકા છે. સુશાંતે તેની આખી ફિલ્મી કરિયર દરમિયાન 60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે મલાડ વિસ્તારમાં અંકિતા અને પોતાના નામ પર એક 3 કરોડની કિંમતનો પ્લોટ ખરીદ્યો હતો. સુશાંતનું મોત થયું ત્યારે તેના એકાઉન્ટમાં લગભઘ અઢીથી ત્રણ કરોડ રૂપિયા પડ્યા હતાં.

સુશાંતની એક્સક્લુઝિવ નોટ

આ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતના હાથે લખેલી કેટલીક એક્સક્લુઝિવ નોટ પણ મળી છે. આ બધી નોટ વર્ષ 2018ની છે. આ નોટ્સ સુશાંત સિંહ રાજપૂતના પવાના ફાર્મહાઉસથી મળી છે. આ નોટ્સમાં સુશાંતે અનેક મહત્વની વાતો લખી છે. તેમણે પોાતના રૂટિન અને ફ્યૂચર પ્લાન્સ વિશે લખ્યું છે.

એક જગ્યાએ સુશાંતે લખ્યું છે...

- કોઈ યોગ્ય જવાબ નથી.

- કઈંક સારા સવાલ છે.

- પરેશાનીને કેવી રીતે ઉકેલવાની છે.

- ખુશી જ કેમ છે.

(5:00 pm IST)