મુખ્ય સમાચાર
News of Friday, 18th September 2020

બ્લેકહોલની માહિતી મેળવવા માટે આઇઆઇએ એ તૈયાર કર્યું મોડલ : ૬૦ વર્ષથી થઇ રહ્યા હતા પ્રયાસો

બ્લેક હોલ તારાઓને કેવી રીતે ભેદે છે તે જાણી શકાશે

બેંગ્લોર,તા. ૧૮: ભારતીય તારાભૌતિકી સંસ્થાન (આઇઆઇએ) બેંગ્લોરના વૈજ્ઞાનિકોએ બ્લેક હોલના અભ્યાસ માટે એક મોડલ તૈયાર કર્યું છે. તેના આધારે બ્લેકહોલના દ્રવ્યમાન અને તેના ફરવા અંગેની માહિતી મેળવીને અનુમાન લગાવી શકાશે. અભ્યાસથી માહિતી મળશે કે આકાશગંગાઓના કેન્દ્રમાં મળી આવતા ઉચ્ચ ગુરૂત્વાકર્ષણક્ષેત્રમાં ખગોળીયા પીંડોના નજીક આવવાથી આ બ્લેક હોલ આ તારાઓને કેવી ભેદે છે. બ્લેક હોલ જે મુળ રીતે અદ્રશ્ય છે તેની ભાળ મેળવવા માટે છેલ્લા ૬૦ વર્ષથી સખત પ્રયાસો ચાલી રહ્યા છે.

બ્લેક હોલનું પોતાનું વજન હોય છે એટલે તે પોતાની ઉપસ્થિતીનો અહેસાસ પોતાના ગુરૂત્વાકર્ષણ બળ દ્વારા આપે છે. બ્લેક હોલ જે પ્રક્રિયાઓથી બને છે તેનાથી તેને અક્ષ ભ્રમણનો ગુણ પણ મળે છે. તેની આજુબાજુના અવકાશમાં ગેસ પણ ફેલાયેલો રહે છે જે કાળાંતરે તેના ગુરૂત્વાકર્ષણ બળથી ખેંચાણને તેની ચારે તરફ એક ડીસ્કનું સ્વરૂપ ધારણ કરે છે. આ ગેસ જ્યારે બ્લેક હોલમાં પડવા લાગે છે ત્યારે ઉચ્ચ ઉર્જાના વિકીરણો ફેલાવે છે. બ્લેક હોલની આજુબાજુના ક્ષેત્રમાં ફરતા તારાઓ કયારેકને કયારેક તો તેની ગપટમાં આવી જ જાય છે. ઘણા તારાઓ બ્લેક હોલના ગુરૂત્વાકર્ષણ બળથી એટલા ચપટા અને એટલા વધારે ખેંચાઇ જાય છે કે આ પ્રચંડ ઘટનામાં તેનો પદાર્થ અંતરિક્ષમાં તો ફેલાય છે પણ ઘણો બધો પદાર્થ બ્લેક હોલમાં પણ પડે છે.

સંસ્થાના પ્રોફેસર રમેશ કપૂરે જણાવ્યું કે આવા ભારેખમ બ્લેક હોલ અનેક આકાશ ગંગાઓના કેન્દ્રમાં જોવા મળ્યા છે. આપણી પોતાની આકાશગંગાના કેન્દ્રમાં બ્લેકહોલ આવેલો છે જે સુર્યની ૬૦ ગણો વજનદાન હશે.

(2:32 pm IST)