મુખ્ય સમાચાર
News of Wednesday, 18th September 2019

કાશ્મીર : પાકિસ્તાનને હવે યુરોપિયન યુનિયનથી ફટકો

તમામ સાંસદોએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી : ત્રાસવાદીઓ ચંદ્રથી ઉતરી રહ્યા નથી : યુરોપિયન યુનિયન

નવીદિલ્હી,તા.૧૮ : કાશ્મીરના મુદ્દા ઉપર દુષ્પ્રચાર કરીને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાના પ્રયાસમાં રહેલા પાકિસ્તાનને હવે યુરોપિયન સંસદમાંથી પણ મોટો ફટકો પડ્યો છે. યુરોપની સંસદમાં અનેક સાંસદોએ એક સુરમાં પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, આતંકવાદીઓ કોઇ ચંદ્ર પરથી ઉતરી રહ્યા નથી. જમ્મુ કાશ્મીરને લઇને સમગ્ર દુનિયામાં જુઠ્ઠાણુ ફેલાવી રહેલા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. અમને ભારતનું સમર્થન કરવું જોઇએ. કારણ કે, પાકિસ્તાનમાં આતંકવાદીઓને સંરક્ષણ મળી રહ્યું છે. પડોશી દેશમાં પાકિસ્તાન તરફથી હુમલા કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવી રહ્યો હતો પરંતુ હવે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. યુરોપિયન સંસદે ૧૧ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીરના મુદ્દા ઉપર ચર્ચા કરી છે અને ખુલ્લા મનથી ભારતને સમર્થન આપ્યું છે. આ ગાળા દરમિયાન આતંકવાદ પર પાકિસ્તાનની નિંદા પણ કરવામાં આવી છે.

સંસદમાં ચર્ચા દરમિયાન પોલેન્ડના નેતા અને ઇયુ સાંસદ જાનેરકીએ કહ્યું છે કે, ભારત દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે છે. અમને ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં થનારી ત્રાસવાદી ઘટનાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, આ આતંકવાદીઓ કોઇ ચંદ્ર પરથી ઉતરી રહ્યા નથી. પાકિસ્તાનમાંથી જ આવી રહ્યા છે. ઇટાલીના નેતા અને યુરોપિયન યુનિયનના સાંસદ ફુલવિયોએ કહ્યું છે કે, પાકિસ્તાન પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી રહ્યું છે. સ્થાનિક હુમલાઓનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન જ છે જે આતંકવાદી કાવતરાઓ ઘડીને યુરોપમાં હુમલાઓને અંજામ આપે છે. પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે.

(9:53 pm IST)