મુખ્ય સમાચાર
News of Tuesday, 18th September 2018

આઝાદી બાદ કોંગ્રેસે દેશમાં અનેક કાર્યો કર્યા, એવી યોજનાઓ લાગુ કરી જેનાથી દેશે પ્રગતિ કરી :સંઘે કર્યા કોંગ્રેસના વખાણ

મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો ;ભાગવતજી કહે છે મુક્ત પર નહીં યુક્ત પર ભાર મૂકે છે સંઘ ;સંઘ માટે કોઈ પારકા નથી

નવી દિલ્હી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય મંથન શિબિરમાં સરસંઘચાલક મોહન ભાગવતે કેન્દ્રની મોદી સરકારનું નામ લીધા વગર મહત્વના સંદેશા આપ્યા છે.અને કહ્યું હતું કે આઝાદી બાદ કોંગ્રેસે દેશમાં અનેક કાર્યો કર્યા છે અને એવી અનેક યોજનાઓ લાગુ કરીને દેશને પ્રગતિ કરાવી છે ભાગવતજીએ 2014માં દેશની કમાન સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો. પરંતુ સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટતા કરી કે સંઘ મુક્ત પર નહીં પરંતુ યુક્ત પર ભાર મુકે છે.

  ભાગવતે કહ્યું કે સંઘના લોકો સર્વલોકયુક્તવાળા લોકો છે. મુક્ત વાળા નહીં.તમામને સાથે જોડવાનો અમારો પ્રયાસ રહેતો હોય છે. આથી તમામને બોલાવવાના પ્રયત્નો અમે કરીએ છીએ. મોહન ભાગવતે કહ્યું કે પૂર્ણ સમાજને જોડવો એ સંઘની પદ્ધતિ છે. આથી જ સંઘ માટે કોઇ પારકું નથી. જે આજે વિરોધ કરે છે તે પણ સંઘ માટે પારકા નથી. સંઘ ફક્ત એ જ ચિંતા કરે છે કે તેના વિરોધથી કોઇ નુકસાન ન થાય.

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને ભાજપના નેતાઓ સતત એ વાતનો પ્રચાર કરી રહ્યા છે કે છેલ્લા 60 વર્ષોમાં દેશમાં કોઇ કામ જ નથી થયા. મોદી અને ભાજપની આ વાતનો પણ સંઘ પ્રમુખ ભાગવતે પોતાના ભાષણમાં જવાબ આપ્યો હતો

  મોહન ભાગવતે આઝાદીની લડાઇમાં કોંગ્રેસે આપેલા યોગદાનના ભારોભાર વખાણ કર્યા બાદ જણાવ્યું કે આઝાદી બાદ પણ કોંગ્રેસે દેશમાં અનેક કાર્યો કર્યા છે. મોહન ભાગવતે કહ્યું કે આઝાદી મળ્યા બાદ પણ દેશમાં અનેક એવી યોજનાઓ લાગુ કરવામાં આવી કે જેનાથી દેશે પ્રગતિ કરી. સંઘ પ્રમુખની આ વાતો ક્યાંકને ક્યાંક મોદી સરકાર માટે સંદેશારૂપ માનવામાં આવી રહી છે.

(7:24 pm IST)