મુખ્ય સમાચાર
News of Tuesday, 18th September 2018

નવરાત્રી, દશેરા, દિવાળીની ઉજવણી મોંઘી થશેઃ નબળા રૂપિયાથી ફુટશે મોંઘવારીનો બોંબ

ડ્રાયફ્રુટસ, ડેકોરેશન, લાઈટીંગ, ગીફટ પેક વગેરેના ભાવો ૨૦ થી ૩૦ ટકા વધી ગયાઃ કાજુ, બદામ, પીસ્‍તા, અખરોટ વગેરેના ભાવ ગજવુ દઝાડે તેવા

નવી દિલ્‍હી, તા. ૧૮ :. ડોલરના મુકાબલે ઘટતા રૂપિયાએ નવરાત્રી, દશેરા, દિવાળી જેવા તહેવારોમાં જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓને સામાન્‍ય ગ્રાહક સુધી પહોંચવાથી પહેલેથી જ મોંઘી કરી દીધી છે. જથ્‍થાબંધ બજારોમાં જુલાઈથી અત્‍યાર સુધીમાં સૌથી વધુ ઈમ્‍પોર્ટ થઈ ચુકી છે અને ડીલર તેને મોંઘી કોસ્‍ટ સાથે જોડીને રીટેલ બજારમાં પણ ઉતારવા લાગ્‍યા છે. હોલ સેલર્સનું કહેવુ છે કે આ વખતે ગ્રાહકોને ઈલેટ્ર્‌ીકલ લાઈટીંગ, ડ્રાયફ્રુટસ, ગીફટ પેક વગેરે ૨૦ થી ૩૦ ટકા મોંઘા મળશે તે નક્કી છે કારણ કે રૂપિયામાં તહેવારો સુધી ઘટાડો થશે તે નક્કી છે. રૂપિયામાં વધુ ઘટાડાની અટકળોથી આયાતકારો ગભરાયેલા છે.

ઈલેક્‍ટ્રીકલ લાઈટીંગના વેપારીઓનું કહેવુ છે કે આંતરરાષ્‍ટ્રીય બજારોમાં એલઈડી લાઈટના ભાવ ઘટવા અને ચીની સામાન પર અમેરિકી ટેરીફ વધવા છતા રૂપિયામાં જોરદાર ઘટાડાને કારણે ભારતમાં ચાઈનીઝ સામાન ૧૫ થી ૨૦ ટકા મોંઘા આવી રહ્યા છે. જુલાઈથી અત્‍યાર સુધીમાં લગભગ ૭૦ ટકા ઈમ્‍પોર્ટ ડીલ થઈ ચુકી છે. જેમાં અડધુ ચુકવણુ પણ થઈ ગયુ છે. તેઓએ કહ્યુ છે કે ડોલરના મુકાબલે ચાઈનીઝ કરન્‍સી પણ તૂટી છે પરંતુ રૂપિયાના ઘટાડાના આ ગાળામાં સૌથી વધુ રહી છે. ડોલરમાં ચુકવણાના કારણે ડીલર્સની કોસ્‍ટ વધી છે. આ દિવાળીએ લાઈટસ ઓછામાં ઓછી ૧૫ થી ૨૦ ટાક મોંઘી મળશે.

ડ્રાયફ્રુટસ અને મસાલાના વેપારીઓ કહે છે કે, મોટા ભાગની બદામ અમેરિકાથી આવે છે. જ્‍યારે કાજુ-પિસ્‍તા અને બીજી પ્રોડકટ પણ ઈમ્‍પોર્ટ પર નિર્ભર છે. એક તરફ રૂપિયા ૧૨ ટકાથી વધુ તૂટયો છે, સરકારે અમેરીકી ડ્રાયફ્રુટસ પર ટેરીફ પણ વધાર્યા છે જેના કારણે ભાવો વધ્‍યા છે.

ડ્રાયફ્રુટસના ભાવ ગયા વર્ષેના મુકાબલે ૨૦ થી ૩૦ ટકા વધ્‍યા છે. ગયા વર્ષે ૬૫૦થી ૮૦૦ની રેન્‍જમાં વેંચાતી બદામ ૭૦૦ થી ૧૧૦૦માં પ્રતિ કિલો મળે છે. અમેરિકી અને ઈરાની પિસ્‍તાના ભાવ ૧૫ થી ૨૦ ટકા વધીને ૧૧૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. ચોકલેટ, ક્રોકરી અને ગીફટ આઈટમોની બજારોમાં પણ ઈમ્‍પોર્ટર રૂપિયાની તંદુરસ્‍તીને લઈને બહુ ભરોસેમંદ નથી અને તહેવારોના સૌદા વહેલી તકે નિપટાવવા માંગે છે. અહીં પણ ભાવ ૩૦ ટકા સુધી વધી ગયા છે.

(10:37 am IST)