મુખ્ય સમાચાર
News of Tuesday, 18th September 2018

ફ્લોરેન્સ ઇફેક્ટ : હજુ પણ ભારે વરસાદ યથાવત જારી

ઉત્તર અને દક્ષિણ કેરોલીનામાં હાલત કફોડી : ફ્લોરેન્સ તોફાન ટ્રોપિકલ ડિપ્રેશનમાં ફેરવાયું હોવા છતાં ખતરનાક તોફાનનો ખતરો અકબંધ : સાવચેતીના પગલા

વોશિગ્ટન, તા.૧૭ : અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તાર પર ત્રાટકેલા પ્રચંડ ફ્લોરેન્સ તોફાનના કારણે તેની અસર હજુ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે કેરોલિનામાં પુરનો ખતરો તોળાઇ રહ્યો છે. ફ્લોરેન્સ હવે ટ્રોપિકલ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગયું છે પરંતુ હજુ પણ તોફાનનો ખતરો રહેલો છે. ઉત્તર કેરોલીના અને દક્ષિણ કેરોલીનામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે સવારથી જ અનેક ચેતવણી જારી કરવામાં આવી હતી. શુક્રવારના દિવસે તોફાનની શરૂઆત થયા બાદથી હાલત કફોડી બનેલી છે. નદીઓમાં પાણીની સપાટી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી છે. ઘણા ભાગમાં ૩૦ ઇંચથી પણ વધુ વરસાદ થયો છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદના કારણે વિલમિંગટન સાથે અન્ય વિસ્તારોનો સંપર્ક તુટી ગયો છે. બીજી બાજુ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૭ ઉપર પહોંચી ગઈ છે. હજુ ભારે વરસાદ જારી રહેવાની શક્યતા છે. પુરની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. ફ્લોરેન્સ તોફાને ઉત્તરીય કેરોલીનામાં કેટેગરી એકની તીવ્રતા સાથે શુક્રવારે એન્ટ્રી કરી હતી. હજુ પણ ૭૯૬૦૦૦ ઘરમાં વિજળીની વ્યવસ્થા નથી. જો કે  સ્થિતીને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ હવે કરવામાં આવી રહ્યા છે.  દક્ષિણ અને ઉત્તર કેરોલીના, જ્યોર્જિયા, વર્જિનિયા અને મેરિલેન સહિતના વિસ્તારમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે.  અલબત્ત ફ્લોરેન્સ હવે ડિપ્રેશનમાં નબળું પડ્યું છે પરંતુ ભારે વરસાદ જારી રહી શકે છે. તોફાન નબળુ પડ્યું હોવા છતાં ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. ઉત્તરીય કેરોલીનાના ગવર્નર રોય કુપરનું કહેવું છે કે હજુ સુધી ભારે વરસાદનો જોર જારી રહી શકે છે. આ તોફાનના લીધે થનાર વરસાદ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વિનાશક વરસાદ તરીકે રહેશે. અત્રે નોંધનિય છે કે અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાને લઈને પહેલાથી જ તંત્ર સાબદુ હતું. જેના લીધે મોટુ નુકસાન ટળી ગયછે. તોફાનના કારણે ૧૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા બુધવારના દિવસે પ્રચંડ તોફાન ઉત્તરીય કેરોલિનાથી આશરે ૯૦૦ કિલોમીટરના અંતરે સ્થિત હતુ અને હવામાન વિભાગની ચેતવણી મુજબ જ દક્ષિણી અને ઉત્તરીય કેરોલીનામાં પ્રચંડ તાકાત સાથે ફ્લોરેન્સ તોફાન ત્રાટક્યું હતું. તોફાનના કારણે આશરે એક કરોડ લોકોને માઠી અસર થઇ છે. જો કે તેમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. કેટલાક લોકો તો વ્યાપક દહેશતમાં પણ દેખાઇ રહ્યા છે. ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ તોફાન કેરોલિના દરિયાકાઠા તરફ વધતા લોકો પહેલાથી જ સાવધાન થઈ ગયા હતા. વિનાશક ફ્લોરેન્સ વાવાઝોડાના કારણે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેરોલીનામાં ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.  અમેરિકામાં વારંવાર વિનાશકારી તોફાન આવતા રહ્યા છે. આ ફ્લોરેન્સ વાવાઝોડાને લઇને પણ પહેલાથી જ સાવધાની રાખવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે વધારે નુકસાન ટળી ઘયું છે.

(12:00 am IST)