મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

હોટલ અને રેસ્ટોરન્ટમાં જવું હવે મોંઘું થશે : સંચાલકો લઈ શકશે સર્વિસ ચાર્જ !

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રના નિર્ણય પર સ્ટે મૂક્યો : આગામી સુનાવણી સુધી કોર્ટે સર્વિસ ચાર્જની આપી મંજૂરી

નવી દિલ્લી તા.18 : દિલ્હી હાઈકોર્ટે સર્વિસ ચાર્જના મુદ્દે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની નવી ગાઈડલાઈન્સ પર સ્ટે મૂક્યો છે. CCPAની અરજી પર આજે સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે સર્વિસ ચાર્જના મુદ્દે 20 જુકેના પોતાના ચુકાદાને યથાવત રાખતા માર્ગદર્શિકા પર સ્ટે મૂક્યો છે. જો કે, હાઈકોર્ટે રેસ્ટોરન્ટ એસોસિએશનને આગામી સુનાવણી સુધી આ મુદ્દે તેમનો પક્ષ રજૂ કરવા પણ કહ્યું છે. તેમજ રેસ્ટોરન્ટમાં જમવા જનાર લોકોએ 31 ઓગસ્ટ સુધી સર્વિસ ચાર્જ આપવો પડશે.
રેસ્ટોરન્ટમાં જમવા જનાર લોકોએ ઓછામાં ઓછું 31 ઓગસ્ટ સુધી તો સર્વિસ ચાર્જ આપવો જ પડશે તે પછી કોર્ટના આદેશાનુસાર હોટલ અને રેસ્ટોરન્ટ નક્કી કરશ કે વધારે સમય સુધી સર્વિસ ચાર્જ લેવો કે નહીં. હોટલ અને રેસ્ટોરન્ટ પર સર્વિસ ચાર્જના પ્રતિબંધના કેન્દ્ર સરકારના નિર્ણય પર સ્ટે મૂકતા દિલ્હી હાઈકોર્ટે હોટલ અને રેસ્ટોરન્ટને આ કેસની આગામી સુનાવણી સુધી સર્વિસ ચાર્જ વસૂલવાની મંજૂરી આપી છે. હોટલ અને રેસ્ટોરન્ટ સંગઠનો દ્વારા સર્વિસ ચાર્જના પ્રતિબંધના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેની આજે સુનાવણી ચાલી હતી અને કોર્ટે તેમને હંગામી ધોરણે સર્વિસ ચાર્જ વસૂલવાની રજા આપી છે. હાઈકોર્ટે કેન્દ્રની ગાઈડલાઈન્સ પર સ્ટે મૂક્યો છે. ગુરુવારે આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે રેસ્ટોરન્ટ પોતાના કર્મચારીઓને ચૂકવણી કરવા માટે બંધાયેલી છે અને તેના માટે ગ્રાહકોને જવાબદાર ન બનાવી શકાય. કોર્ટ હવે 31 ઓગસ્ટે આ કેસની વધુ સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના મંત્રાલયે એક ગાઈડલાઈન્સ બહાર પાડીને હોટલ અને રેસ્ટોરન્ટના સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગાઇડલાઇન્સ અનુસાર સર્વિસ ચાર્જ ભરવો કે નહીં તે ગ્રાહક પર નિર્ભર કરશે, રેસ્ટોરન્ટ આ માટે ગ્રાહકોને કોઈ દબાણ ન કરી શકે, એટલે ગ્રાહકો ઈચ્છે તો સર્વિસ ચાર્જ આપી શકે નહીં તો નહીં. રેસ્ટોરન્ટે અને હોટેલ્સે ગ્રાહકોને સ્પષ્ટ પણે જણાવવું પડશે કે સર્વિસ ચાર્જ વૈકલ્પિક, સ્વૈચ્છિક અને ગ્રાહકની મરજી પર આધારિત છે.

 

(11:56 pm IST)