મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

ઝારખંડના સીએમ હેમંત સોરેનને ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ખુલ્લી ચેતવણી ! : કહ્યું - ઓગસ્ટ મહિનો પૂરો કરી બતાવો

31 ઓગસ્ટ સુધીમાં ઘણી ઉથલ પાથલ થઈ શકે, રાજ્યનુ ચિત્ર બદલાઈ શકે, પેટા ચૂંટણી પણ યોજવી પડે તો નવાઈ નહી : દુબેનું ટ્વિટ

રાંચિ : ઝારખંડમાં ભારે રાજકીય  ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી પર સતત પ્રહારો કરી રહી છે. આ વખતે ભાજપે સીએમ હેમંત સોરેનેને ઓગસ્ટ પાર કરવાની ચેતવણી આપી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે સીએમ સોરેનને ટ્વિટર પર 'ઓગસ્ટ પાર કરવા' કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝારખંડ મુક્તિ મોરચાના નેતાએ સુપ્રીમ કોર્ટના સ્ટેન્ડનો ઉલ્લેખ કરીને ટ્વિટર પર સાંસદ નિશિકાંત દુબે પર નિશાન સાધ્યું હતું.

દુબેએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, 31 ઓગસ્ટ સુધીમાં ઘણી ઉથલ પાથલ થઈ શકે છે. રાજ્યનુ ચિત્ર બદલાઈ શકે છે. દુમકા અને બરહેટ બેઠક પર પેટા ચૂંટણી પણ યોજવી પડે તો નવાઈ નહી. દુમકામાં ચાર દાયકાથી એક જ પરિવારનુ શાસન છે અને તે ખતમ થઈ શકે છે. કારણ કે રાજ્યમાં ગેરકાયેદસર માઈનિંગ, ભ્રષ્ટાચાર સહિતના મામલામાં ચુકાદો આવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમત્રી સોરેન પર શેલ કંપનીઓ ચલાવવા માટે તેમજ ગેરકાયદેસર રીતે માઈનિંગ માટે લીઝ લેવાનો આરોપ છે. જેની સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ છે અને હવે સુપ્રીમ કોર્ટ તેના પર ચુકાદો આપશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે આ મામલામાં ઝારખંડ હાઈકોર્ટમાં તેની સુનાવણી કરવા પર રોક લગાવી દીધી છે.

જોકે ઝારખંડ મુક્તિ મોરચાએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે, ઝારખંડના મુંગેરીલાલ નિશિકાંત દુબેને ખબર નથી પડી રહી કે, સુપ્રીમ કોર્ટ શું કરી રહી છે. દુબેએ સપના જોવામાંથી બહાર આવવુ જોઈએ અને સાંભળવુ જોઈએ કે મુખ્યમંત્રી હેમંત સોરેન માટે સુપ્રીમ કોર્ટે શું કહ્યુ છે અને એ પછી તેમણે પોતાના પાપ જોવા માટે હરિદ્વાર જતા રહેવુ જોઈએ.

(11:46 pm IST)