મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

ઉત્તરપ્રદેશનાં બાહુબલી નેતા મુખ્તાર અન્સારીનાં 11 ઠેકાણે દરોડા પડાયા

બાહુબલી નેતા મુખ્તાર અન્સારીના ઠેકાણાઓ પર હવે EDની કાર્યવાહી : અન્સારીના CA અને કેટલાક સહયોગીઓને ત્યાં પણ તપાસ

ગાઝીપુર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બાહુબલી લીડર મુખ્તાર અંસારી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ મુખ્તાર અંસારી અને તેના નજીકના સહયોગીઓના દિલ્હી, લખનૌ, ગાઝીપુર અને મઉમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. એટલું જ નહીં મુખ્તારના મુહમ્દાબાદના નિવાસસ્થાન ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ સિવાય ED એ વિક્રમ અગ્રહરી અને ગણેશ મિશ્રાના સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. એટલું જ નહીં ખાન બસ સર્વિસના માલિક પર પણ EDના દરોડા પડ્યા છે.

અહેવાલો અનુસાર, EDની ટીમ આજે સવારે મુહમ્દાબાદ સ્થિત મુખ્તાર અંસારીના પૈતૃક ઘરે પહોંચી હતી અને દરોડા પાડવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં માફિયા મુખ્તાર અંસારીના નજીકના વિક્રમ અગ્રહરી, ગણેશ મિશ્રાના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સાથે EDની ટીમે ખાન બસ સર્વિસના માલિકના પરિસરમાં પણ દરોડા પાડ્યા છે. EDની આ કાર્યવાહીથી ગાઝીપુરમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોનું માનીએ તો, દિલ્હી અને યુપી સહિત મુખ્તાર અંસારી અને તેમના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા 11 સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે. મુખ્તાર અંસારીના પરિવારના સભ્યો, સીએ અને નજીકના સહયોગીઓ પર પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી દિલ્હી, લખનૌ અને ગાઝીપુર સહિત અનેક જગ્યાએ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારી અને તેમની ગેંગના સભ્યો દ્વારા સંચાલિત જમીન પચાવી પાડવા અને ગેરકાયદેસર ધંધા સાથે સંબંધિત બહુવિધ કેસોના આધારે 1 જુલાઈ 2021ના ​​રોજ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એટલે કે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં મુખ્તાર અંસારી બાંદા જેલમાં બંધ છે.

(11:44 pm IST)