મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

પૂર્વ કેન્દ્રીય મંત્રી RCP સિંહે BJPમાં સામેલ થવાની જાહેરાત કરી : નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો

RCP સિંહે ફરી વડાપ્રધાન પદની ઉમેદવારીને લઈને નીતિશ કુમાર પર કટાક્ષ સાધતાં કહ્યું - નીતિશ કુમાર 7 જન્મમાં પણ વડાપ્રધાન નહીં બની શકે

પટના તા.18 : પૂર્વ કેન્દ્રીય મંત્રી RCP સિંહે ગુરુવારે જાહેરાત કરી દીધી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોઇન્ટ કરશે. બે દિવસ અગાઉ નાલંદાના સિલાવમાં ભગવામય નજરે પડ્યા હતા. ત્યારબાદ તેમની ભાજપમાં સામેલ થવાની ચર્ચાએ ફરીથી જોર પકડી લીધો હતો. તો RCP સિંહે ફરી એક વખત વડાપ્રધાન પદની ઉમેદવારીને લઈને નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર 7 જન્મમાં પણ વડાપ્રધાન નહીં બની શકે.

તેમણે કેન્દ્રમાં મંત્રી બનવાના સવાલ પર કહ્યું કે, નીતિશ કુમાર ખોટું બોલી રહ્યા છે. નીતિશ કુમારની સહમતીથી જ મંત્રી બન્યો હતો. લલન સિંહ બાબતે પણ જાણકારી હતી. ઉલ્લેખનીય છે જે ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમારે દાવો કર્યો હતો કે, RCP સિંહને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થવાને લઈને તેમની મંજૂરી નહોતી. કેન્દ્રીય મંત્રીપરિષદમાં વધારે સીટો માગવા પર ભાજપે એ સમયે જનતા દળ યુનાઇટેડને કહ્યું હતું કે તે માત્ર એક જ મંત્રી પદ આપી શકે છે કેમ કે શિવસેનાને પણ એક જ મંત્રી પદ આપ્યું છે.

એક સમયે નીતિશ કુમારનો ડાબો હાથ કહેવાતા JDUના પૂર્વ અધ્યક્ષ RCP સિંહે 6 ઑગસ્ટના રોજ પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી દીધું હતું. તેમને નલંદામાં પોતાના ગામ મુસ્તફાપુરમાં રાજીનામાની જાહેરાત કરી હતી. JDUએ ત્રીજી વખત રાજ્યસભામાં મોકલવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેમને મોદી સરકારમાં મંત્રી પદમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. રાજીનામાની જાહેરાત સાથે જ તેમણે કહ્યું હતું કે, આ પાર્ટીમાં કશું જ બચ્યું નથી. તે (JDU) ડૂબતો જહાજ છે. અમારાથી ગુસ્સો છે, તો અમારી સાથે વાત કરો, અમારી પાસે વિકલ્પ ખુલ્લા છે.

મોદી સરકારના મંત્રીમંડળથી રાજીનામું આપ્યા બાદ જ્યારે RCP સિંહ પટના પહોંચ્યા હતા તો તેમણે પોતાની મંશા સ્પષ્ટ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ શાંત નહીં બેસે. હું જમીનનો વ્યક્તિ છું, સંગઠનનો વ્યક્તિ છું અને સંગઠનમાં કામ કરીશ. વર્ષ 2016માં RCP સિંહને JDUએ ફરી રાજ્યસભામાં મોકલ્યા હતા અને શરદ યાદવની જગ્યાએ રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે નોમિનેટ કર્યા હતા.

જ્યારે નીતિશ કુમારે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ છોડ્યું તો RCP સિંહને જ પાર્ટીની કમાન સોંપવામાં આવી હતી. આ પ્રકારે નીતિશ કુમાર બાદ JDUમાં તેઓ નંબર બેની હેસિયતવાળા નેતા બની ગયા, પરંતુ મોદી કેબિનેટનો હિસ્સો બન્યા બાદ તેમના સંબંધમાં દરાર આવવા લાગી. RCP સિંહને ત્રીજી વખત JDUથી રાજ્યસભા પહોંચવાનો અવસર ન મળ્યો, જેના કારણે તેમને મોદી સરકારમાં કેબિનેટ છોડવું પડ્યું.

(11:42 pm IST)