મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

અમેરિકી પ્રતિનિધિમંડળ 8 દિવસની ભારત મુલાકાતે આવશે

યુએસ સેનેટર જોન ઓસોફ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે:મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય આર્થિક, વૈજ્ઞાનિક અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવાના પગલાં પર વિચાર કરાશે

યુએસ સેનેટર જોન ઓસોફ 30 ઓગસ્ટથી આઠ દિવસની ભારત મુલાકાતે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય આર્થિક, વૈજ્ઞાનિક અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવાના પગલાં પર વિચાર કરવામાં આવશે.

યુએસ રાજ્ય જ્યોર્જિયાના 35 વર્ષીય સેનેટર ઓસોફે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની મિત્રતાને મજબૂત કરવા અને ભારતીય નેતાઓની આગામી પેઢીને મળવા માટે હું આ યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીશ. નોંધનીય છે કે ઓસોફે  ત્રણ દાયકામાં સૌથી યુવા ચૂંટાયેલા યુએસ સેનેટર છે.

વધુમાં ઓસોફે કહ્યું કે અમે જ્યોર્જિયામાં ભારતીય અમેરિકન સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે પણ કામ કરીશું, જ્યાં ભારતીય ડાયસ્પોરાની વધતી જતી સંખ્યા આપણા સમુદાયનો સમૃદ્ધ અને મહત્વપૂર્ણ ભાગ છે. ઓસોફ આર્થિક, વૈજ્ઞાનિકને મજબૂત કરવા માટે કામ કરશે. નોંધનીય છે કે ઓસોફ યુએસ સેનેટમાં જે જ્યોર્જિયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં દસ લાખથી વધુ ભારતીય-અમેરિકનો છે.

ઓસોફે આ અઠવાડિયે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર ભારતીય લોકોને એક સંદેશ મોકલ્યો હતો, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. યુએસ ડેલિગેશન 30 ઓગસ્ટે મુંબઈ પહોંચશે અને 6 સપ્ટેમ્બરે નવી દિલ્હીથી રવાના થશે.

(11:38 pm IST)