મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

પાકિસ્તાનની એક સહિત આઠ યુ ટ્યુબ ચેનલ પર પ્રતિબંધ

દેશ વિરોધી કૃત્ય કરતી ચેનલો પર તવાઈ : બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોને ૧૧૪ કરોડથી વધુ લોકોએ જોઈ છે તેના સબસ્ક્રાઈબર ૮૫.૭૩ લાખ થાય છે

નવી દિલ્હી, તા.૧૮ : ભારત દેશની છબી દુનિયામાં અનેકતામાં એકતા, સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતા જેવી છે.

આવામાં સોશિયલ મીડિયા દ્વારા ઝેર ઓકતી અને જાણીતી બની ગયેલી દેશ વિરોધી કૃત્ય કરતી ૮ યુટ્યુબ ચેનલો પર ગુરુવારે ભારત સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેમાંથી એક ચેનલ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતી હતી. જેમાં 'ખોટું, ભારત વિરોધી સાહિત્ય' પીરસવામાં આવતું હતું. આ ચેનલોને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૃલ્સ-૨૦૨૧ હેઠળ બ્લોક કરવામાં આવી છે. જેમાં સાત ભારતીય સમાચાર આપતી યુટ્યુબ ચેનલોને પણ બ્લોક કરવામાં આવી છે.

બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોને ૧૧૪ કરોડથી વધુ લોકોએ જોઈ છે જ્યારે તેના કુલ સબસ્ક્રાઈબર ૮૫.૭૩ લાખ થાય છે, જેને સરકાર દ્વારા મોનિટાઈઝ કરવામાં આવી રહી હતી. આ વાત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલ પર દેશની સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન થયા, લોકોની લાગણી દુભાય અને ભારતના વિદેશ સાથેના સંબંધો સહિતની ખોટી માહિતી રજૂ કરવામાં આવતી હતી.

મંત્રાલયે એ પણ જણાવ્યું છે કે, બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલ પર ખોટા દાવા કરવામાં આવતા હતા જેમાં ધાર્મિક ઈમારતોને તોડી પાડવાની કામગીરી ભારત સરકાર દ્વારા કરાતી હોવાની ખોટી વિગતો રજૂ કરવામાં આવતી હતી. આ સિવાય તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ, ભારતમાં ધાર્મિક યુદ્ધની જાહેરાત સહિતની વાતો રજૂ કરીને લોકોને ભડકાવવામાં આવતા હતા.

એ પણ જણાવવામાં આવ્યું છે કે, કેટલાક વીડિયોમાં એવી પણ વિગતો મળી આવી છે કે જેમાં સાંપ્રદાયિક અસંતુલન બને અને દેશની સાર્વજનિક વ્યવસ્થાઓને નુકસાન પહોંચાડતું હોય તેવું સાહિત્ય રજૂ કરવામાં આવતું હતું.

કેટલીક ચેનલોમાં જન્મુ અને કાશ્મીર સિવાયના અન્ય સ્થળો પર ભારતીય આર્મ ફોર્સોને ખોટી ચીતરને લોકોમાં ઉચાટ ઉભો કરવામાં આવતો હતો.

સરકારે આ અંગે જણાવ્યું છે કે, તપાસ કરતા માલુ પડ્યું કે કેટલાક વિડીયોમાં તદ્દન ખોટી વિગતો રજૂ કરવામાં આવી રહી હતી, જેમાં ભારતીય સુરક્ષા અને ભારતના અન્ય દેશોના સંબંધોને લઈને ખોટી માહિતી દર્શાવવામાં આવી રહી હતી.

 

(7:19 pm IST)