મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

કાલે જન્‍માષ્‍ટમી : કૃતિકા નક્ષત્ર-વ્‍યાઘાત યોગમાં કાનુડો પારણે ઝૂલશે

બાલગોપાલના જન્‍મદિવસની રંગારંગ ઉજવણી માટે શ્રધ્‍ધાળુઓમાં થનગનાટ : દિવસભર રોનક દેખાશે : રક્ષાબંધન પર્વની ઉજવણી બાદ હવે શુક્રવારે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની રોનક દેખાશે

નવી દિલ્‍હી,તા. ૧૮ : બાલગોપાલના જન્‍મદિવસની શુક્રવારે રંગારંગ ઉજવણી કરવા માટે શ્રાદ્ધાળુઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન શુક્રવારે મટકીફોડ કાર્યક્રમો અને મંદિર, ઘરમાં કાનુડાને પારણે ઝુલાવવાની સાથે જ ઉમળકાભેર ઉજવણી થશે. ચાલુ વર્ષે તિથિ અને નક્ષત્રના વિચિત્ર સંયોગ વચ્‍ચે રાત્રિએ ૧૨ વાગ્‍યે કાનુડો પારણે ઝુલશે. શુક્રવારે રાત્રિએ ૧૨ વાગ્‍યે કૃતિકા નક્ષત્ર અને વ્‍યાઘાત યોગ સાથે રાત્રિએ ૧૧ વાગ્‍યે આઠમની તિથિ પૂર્ણ થઇ જશે.
હિન્‍દુ શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્‍ણનો જન્‍મ ઉત્તર ભારતીય પંચાગ પ્રમાણે ભાદ્રપદ કૃષ્‍ણ પક્ષની અને દક્ષિણ ભારતીય પંચાગ પ્રમાણે શ્રાવણ માસની કૃષ્‍ણ પક્ષની આઠમની તિથિએ રાત્રિએ ૧૨ વાગ્‍યે રોહિણી નક્ષત્રના વૃષભ લગ્નમાં થયો હતો. તે સમયે શુભ હર્ષણ યોગ હતો. આ વર્ષે શુક્રવારે જન્‍માષ્ટમી પર્વની ઉજવણી થશે. દરમિયાન રાત્રિએ ૧૨ વાગ્‍યે કૃતિકા નક્ષત્ર અને વ્‍યાઘાત યોગનો સંયોગ જોવા મળશે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, પંચાગ પ્રમાણે શુક્રવારે રાત્રિએ ૧૧ વાગ્‍યે આઠમની તિથિ પૂર્ણ થઇ જાય છે. રાત્રિએ ૧.૫૩ વાગ્‍યા સુધી કૃતિકા નક્ષત્ર છે. શુક્રવારે રાત્રિએ ૮.૫૯ વાગ્‍યે ધ્રુવ યોગ પૂરો થવાની સાથે જ વ્‍યાઘાત યોગ શરૂ થશે. શુક્રવારે સવારે ૧૦.૦૭ વાગ્‍યા સુધી બાલવ કરણ અને પછી તૈતિલ કરણ છે. વળી, મથુરાના જયોતિષાચાર્યો અનુસાર ભગવાન કૃષ્‍ણનો જન્‍મ ૩૩૨૮ ઇ.સ. પૂર્વે થયો હતો અને ૩૧૦૨ ઇ.સ. પૂર્વે ભગવાને આ લોક છોડી દીધો હતો. તેને જોતાં આ વર્ષે ભગવાન કૃષ્‍ણનો ૫૨૪૮મો  જન્‍મદિવસ ઉજવાશે. જોકે, આ વર્ષે રાત્રિએ ૧૨ વાગ્‍યે કાનુડાને પારણે ઝુલાવતી વેળાએ આઠમની તિથિ કે રોહિણી નક્ષત્રનો સંયોગ જોવા મળશે નહીં.

 

(10:54 am IST)