૧૪ વર્ષના છોકરાએ અપહરણ કરીને ૩ વર્ષની બાળકી પર કર્યો રેપ
હરિયાણામાં ભારે આઘાતની ઘટના !
સીકર,તા. ૧૮ : મોબાઈલ ઈન્ટરનેટે દુનિયાની અવળી બાજુ પર છતી કરી છે. સસ્તા ડેટાને કારણે છોકરાઓ બગડી રહ્યાં છે અને તેની પર માઠી અસર પડી રહી છે અને સમાજમાં હવે તેનું પરિણામ પણ મળવા લાગ્યું છે. આવી ઘટનાઓ તાકીદે અટકવી જોઈએ તો જ સમાજનું ભલું છે. હરિયાણાના નૂહમાં બનેલી ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. નૂહમાં ૧૪ વર્ષના એક છોકરાએ ૩ વર્ષની બાળકી પર રેપ કર્યો હતો. પોલીસે સમયસર કાર્યવાહી કરીને આરોપી છોકરાને ઝડપી લીધો હતો.
પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદમાં એવો આરોપ મૂક્યો કે બુધવારે તેમની પત્ની જંગલમાં ઘાસ લેવા માટે ગઈ હતી. પત્નીની જાણ વગર તેમની ૩ વર્ષની પુત્રી પણ પાછળ પાછળ જંગલમાં ગઈ હતી. આ દરમિયાન એક છોકરો આવ્યો હતો અને એકલતાનો લાભ લઈને તેમની પુત્રીને ઉપાડી ગયો હતો અને ત્યાં રેપ કર્યો હતો. પિતાએ આગળ કહ્યું કે માતા જયારે ઘાસ કાપીને વળતી થઈ ત્યારે જુવારના ખેતરમાં તેમને તેમની છોકરી જેવો રડવાનો અવાજ આવ્યો હતો, જઈને જોયું ત્યારે મારી બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ત્યાં છોકરો પણ ઊભો હતો, મેં તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ અમે તાત્કાલિક તેને લઈને ઘેર આવ્યાં હતા અને દવાખાને લઈ ગયા હતા અને પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
પોલીસે પીડિતાના પિતાની ફરિયાદને આધારે ટીમની રચના કરીને આરોપી છોકરાને ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કહ્યું કે બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેને સિનિયર ડોક્ટરોની દેખરેખ હેઠળ મૂકાઈ હતી. આશા રાખીએ કે તે જલદીથી સાજી થઈ જશે.