મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

નવાબ મલિક, સંજય રાઉત પછી અજિત પવારનો જેલ જવાનો વારો

દેવેન્‍દ્ર ફડણવીસના નજીકના સહયોગીના દાવા પર હોબાળો

મુંબઈ,તા. ૧૮ : મહારાષ્ટ્રમાં ભાજપના એક નેતાએ એક પછી એક અનેક ટ્‍વિટ કર્યા છે. આમાં, તેમણે દાવો કર્યો છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એક મોટા નેતા ટૂંક સમયમાં જેલમાં જશે. તેમના દાવાથી રાજયમાં રાજકીય હલચલ મચી ગઈ છે. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્‍યો છે કે નાયબ મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસના નજીકના ગણાતા મોહિત કંબોજ દ્વારા કરવામાં આવેલી ટ્‍વીટનો હેતુ ‘અસ્‍થિર શિંદે સરકાર'ને બચાવવા માટે તેમના પર દબાણ લાવવાનો હતો.
મોહિત કંબોજે મંગળવારે મોડી રાત્રે પોતાના ટ્‍વિટમાં કહ્યું કે તત્‍કાલિન મંત્રી અને NCP નેતા નવાબ મલિક, શિવસેના સાંસદ સંજય રાઉત અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ધરપકડ અંગેની તેમની અગાઉની આગાહીઓ સાચી પડી હતી. આ કિસ્‍સામાં તેનો સ્‍ટ્રાઈક રેટ ૧૦૦ ટકા હતો.
જોકે, તેમણે NCP નેતાનું નામ લીધું ન હતું. કંબોજે વધુમાં જણાવ્‍યું હતું કે સિંચાઈ કૌભાંડની ફરી તપાસ થવી જોઈએ, જે ૨૦૧૯માં તત્‍કાલિન ભ્રષ્ટાચાર વિરોધી બ્‍યુરોના વડા પરમબીર સિંહ દ્વારા બંધ કરવામાં આવી હતી. એનસીપી નેતા અજિત પવારને ૨૦૧૯માં આ કેસમાં ક્‍લીનચીટ મળી હતી. મોહિત કંબોજે બાદમાં કહ્યું કે તેઓ ટૂંક સમયમાં એક પ્રેસ કોન્‍ફરન્‍સ કરશે અને એનસીપીના આ નેતાની ભારત અને વિદેશમાં તમામ બેનામી સંપત્તિની વિગતો જાહેર કરશે.
સૂત્રોએ જણાવ્‍યું હતું કે ભાજપ સંકેત આપી રહ્યું છે કે પાર્ટી ટૂંક સમયમાં અજિત પવાર વિરુદ્ધ કેસ ફરીથી ખોલશે. તમને જણાવી દઈએ કે દેવેન્‍દ્ર ફડણવીસ પાસે ગૃહ મંત્રાલય છે.
બીજેપી નેતાના આ ટ્‍વીટ બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ પ્રશ્ન કર્યો હતો કે કેન્‍દ્રીય એજન્‍સીઓ દ્વારા કોઈપણ સંભવિત પગલાં વિશે ભાજપના નેતાને અગાઉથી કેવી રીતે ખબર પડી શકે. તેમણે કહ્યું, તે દર્શાવે છે કે આ એજન્‍સીઓ કેવી રીતે ભાજપના હાથમાં રમી રહી છે. આ મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના નેતાઓને ધમકાવવાના નિર્લજ્જ પ્રયાસ સિવાય બીજું કંઈ નથી.
એનસીપીના નેતા અને પૂર્વ મંત્રી શશિકાંત શિંદેએ કહ્યું કે નવા સત્રની પૂર્વ સંધ્‍યાએ કંબોજનું ટ્‍વીટ વિપક્ષને શાંત કરવાનો પ્રયાસ હતો. ‘આ ટ્‍વીટ્‍સ ચોમાસુ સત્રની પૂર્વસંધ્‍યાએ આવી છે, જેણે ભાજપનો ઇરાદો સંપૂર્ણ રીતે સ્‍પષ્ટ કરી દીધો છે. આ મામલે ઘણા સમય પહેલા ક્‍લીનચીટ આપવામાં આવી હતી. જો રાજય સરકાર આ મામલાની પુનઃ તપાસ કરવા માંગતી હોય તો તે કરવા માટે સ્‍વતંત્ર છે, પરંતુ કોઈપણ નેતાને જેલવાસની ધમકી આપવા માટે નહીં. આ અયોગ્‍ય છે.

 

(10:50 am IST)