મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

કાબુલના ખૈર ખાના વિસ્તારમાં મસ્જિદમાં વિસ્ફોટ: 20 લોકોના મોત અને 40 ઘાયલ

અફગાનિસ્તાનની રાજધાની કાબુલની  એક મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. કાબુલની ખૈર ખાના વિસ્તારની મસ્જિદમાં વિસ્ફોટ થતા 20 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક વધી પણ શકે છે. આ વિસ્ફોટમાં 40 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા બચાવ કામગીરી માટે તંત્ર કામે લાગ્યુ હતુ. ઘાયલ લોકોને કાબુલની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ હુમલો કાબુલના સર-એ-કોટલ ખૈર ખાનામાં થયો છે. આ ઘટના સ્થળે તાલિબાનની સેના પણ પહોંચી હતી. તાલિબાને તાજેતરના અનેક વિસ્ફોટો માટે આતંકવાદી સંગઠન ISISને જવાબદાર ઠેરવ્યું છે.

મળતી માહિતી અનુસાર, કાબુલ શહેરની મસ્જિદમાં થયેલા આ હુમલામાં મસ્જિદના મૌલવી અમીર મોહમ્મદ કાબુલીનું પણ મૃત્યુ થયું છે. જો કે, સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યુ નથી. ગયા મહિને પણ અફઘાનિસ્તાનમાં આવો જ એક હુમલો થયો હતો, જ્યાં રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કાર્તે પરવાનના મુખ્ય દરવાજા પાસે થયેલા હુમલામાં 2 લોકો માર્યા ગયા હતા.

(12:42 am IST)