મુખ્ય સમાચાર
News of Wednesday, 18th July 2018

મોદી સરકારના ૧૯ મંત્રાલયોએ લગાવ્યો ૧૧૭૯ કરોડનો ચૂનો : CAGએ પકડી ગોલમાલ : ખર્ચ માટે નિયમો નેવે

૩૮ ટકા ખર્ચ વધાર્યો : કેગના રિપોર્ટથી વધશે મોદી સરકારની મુશ્કેલીઃ પ્રોજેકટ - બજેટ મેનેજમેન્ટમાં ભારે બેદરકારી : કેગે કાન ખેંચ્યો છતાં મંત્રાલયો ન સુધર્યા

નવી દિલ્હી, તા. ૧૮ : દેશના ૧૯ મંત્રાલયો અને તેમને આધીન સંચાલિત સંસ્થાઓમાં નિયમ અને કાયદાઓ નેવેમૂકીને ઘણા ક્ષેત્રોમાં બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યા તો ઘણી જગ્યાએ નીતિ-નિયમો અને કાયદાની અવગણના કરીને કરોડો રૂપિયાના મહેસુલનો સરકારને ચુનો લગાડવામાં આવ્યો છે. કેગના ૨૦૧૮ના રિપોર્ટ નંબર ચારમાં આ ૧૯ મંત્રાલયોમાં ૧૧૭૯ કરોડ રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ૨૦૧૮ની ૪થી એપ્રિલે સંસદમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ ૨૦૧૭ના નાણાકીય દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આ ગેરરિતીઓ પકડાઇ છે. સૌૈથી વધુ માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં નિયમોની ઐસીતૈસી કરવાનો મામલો બહાર આવ્યો છે. ત્યાર પછી વિદેશ મંત્રાલય, માહિતી અને પ્રસારણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, સંસ્કૃતિ ઉપભોકતા અને વાણિજય તેમ જ ઉદ્યોગ મંત્રાલયોમાં નાણાકીય વહીવટ અને ખર્ચ સાથે સંબંધિત ગોટાળાઓ જોવા મળ્યા છે.

દેશની સૌથી મોટી ઓડિટ એજન્સીે જનરલ, સોશિયલ અને રેવન્યુ સેકટર સાથે સંબંધિત ૪૬ મંત્રાલયો અને વિભાગોનું ઓડિટ કર્યું તો તેમાંથી કુલ ૧૯ મંત્રાલયોમાં ગેરરિતીઓના ૭૮ મામલા પકડાયા છે. એવું પણ શોધી કાઢવામાં આવ્યું છે કે વર્ષ દરમિયાન કુલ ખર્ચ ૩૮થી વધુ વધી ગયો છે. ૨૦૧૫-૧૬માં આ મંત્રાલયોનો કુલ ખર્ચ ૫૩,૩૪,૦૩૭ કરોડ રૂપિયા હતો જયારે ૨૦૧૬માં આ ખર્ચ વધીને ૭૩,૬૨,૩૯૪ કરોડ રૂપિયા થયો ગયો છે.

કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પોતે જ બનાવેલી જોગવાઇઓ અને નિયમોની મંત્રાલયોએ અવગણના કરી છે. પ્રોજેકટ્સ અને બજેટ મેનેજમેન્ટમાં ભારે બેદરકારી કરવામાં આવી છે. બજેટ ખર્ચ પર જાણે કે નિયંત્રણ જ ન રહ્યું હોય. બધા મંત્રાલયો અને વિભાગોમાં સ્ટાફને અનિયમિત ચુકવણી પણ કરાઇ છે. ખાસ વાત એ છે કે અગાઉ પણ થયેલા ઓડિટ દરમિયાન આ ગેરરિતીઓ તરફ કેગે ઇશારો પણ કર્યો હતો, તેમ છતાં આ મંત્રાલયોની કાર્યપ્રણાલીમાં કોઇ સુધારો ન થયો. વિદેશ મંત્રાલયમાં આશરે ૭૬ કરોડ રૂપિયા બિનકર મહેસુલની ભારે ગેરરિતી બહાર આવી છે. આ ગેરરિતી વિઝી ફીની ઓછી વસૂલાત સાથે સંબંધિત છે.

ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણ મંત્રાલયોએ તો બાકીના ૮૯.૫૬ કરોડ રૂપિયાની વસૂલાત જ કરી નથી.તેમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને શિપિંગ મંત્રાલય સામેલ છે. નાણાકીય મેનેજમેન્ટ સાથે સંબંધિત નિયમ અને કાયદાઓની અવગણનાને કારણે ત્રણ મંત્રાલયોમાં ૧૯.૩૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું. તેમાં વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયમાં ૧૩.૭૬ કરોડ જયારે સંસ્કૃતિ મંત્રાલયમાં ૨.૨૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું. સંસ્કૃતિ, વિદેશ, આરોગ્ય અને કલ્યાણ તેમ જ એમએચઆરડીમાં નિયમોના ભંગના પકડાયેલા ૧૦ મામલામાં ૬૫.૮૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું. ઓડિટમાં કૃષિ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ગૃહ મંત્રાલય અને એમએચઆરડીમાં કુલ ૧૮.૮૭ કરોડ રૂપિયાના બિનજરૂરી ખર્ચા પણ પકડાયા છે.(૨૧.૧૨)

 

(11:40 am IST)