મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા મોટીવેશનલ સ્પીકર 'અકિલા'ની મુલાકાતે

ગુજરાતમાં શિક્ષણ-આરોગ્ય નીતિ નહિ સુધરે તો તાકાત સાથે રાજનીતિમાં ઝંપલાવીશ : સંજય રાવલ

નર્સ-શિક્ષિકા-લેડી પોલીસને અનુકુળ સ્થાને જ નિમણુંક આપો અને બદલી ન કરો, મોટાભાગના ગોરખધંધા બંધ થઇ જશે : પોલીટીકસમાં જવું અઘરૃં લાગે છે, પરંતુ અશકય નથી : હું ભાજપ-કોંગ્રેસ કે કોઇ પક્ષનો વિરોધી નથી, આ લોકો નિષ્ઠાપૂર્વક કામ કરવા તૈયાર હોય તો અમે તેની સાથે છીએ

રાજકોટ, તા. ૧૬ :  અપાર લોકપ્રિયતા ધરાવતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે સ્પષ્ટ કર્યુ છે કે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર સમાજના ઉત્થાન માટે અતિ અગત્યના છે. આ બંને ક્ષેત્રો અંગે સરકારની નીતિ કલુષિત છે. ઉત્તર પ્રકારના શિક્ષણ માટે મેં સરકારને રજુઆતો કરી છે. શૈક્ષણિક ક્ષેત્રે  પ્રયોગાત્મક કામ કરવા ઓફર પણ કરી છે. શૈક્ષણિક નીતિ સુધારવા અંગે સરકાર સકારાત્મક હોય તો અમે તેમની સાથે છીએ. સ્વખર્ચે શિક્ષણક્ષેત્રે પ્રયોગાત્મક પ્રવૃત્તિ કરવા પણ તૈયાર છીએ.

શ્રી રાવલ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જો સરકાર કંઇ જ સુધારા-વધારા નહિ કરે તો અમે પુરી તાકાતથી ગુજરાતની રાજનીતિમાં ઝંપલાવીશુ અને સત્તા પ્રાપ્ત કરીને શિક્ષણ-આરોગ્ય સહિતના ક્ષેત્રો સુધારવા પ્રયાસ કરીશું.

સોશ્યલ મીડિયામાં ૧૦ લાખથી વધારે ફોલોઅર્સ ધરાવતા ધુંઆધારે મોટીવેશનલ  સ્પીકર સંજય રાવલ 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, અમે કોઇ રાજકીય પક્ષના વિરોધ કે તરફદાર નથી, પરંતુ મહત્વના ગણાતા શિક્ષણ-આરોગ્ય જેવા ક્ષેત્રો બરબાદ થઇ રહ્યા છે.

આ ક્ષેત્રોમાં આમુલ પરિવર્તન જરૂર છે. આ કાર્ય સત્તાના પાવરથી જ થઇ શકે સરકાર આ પરિવર્તન કરવા સક્રિય બને તો અમે પુરી નિષ્ઠા સાથે તેમની સાથે છીએ. એ કંઇ કરવા ઇચ્છા ધરાવતી ન હોય તો એને પુરી શકિત સાથે રાજનીતિમાં આવીને સત્તા પ્રાપ્ત કરીને વિવિધ ક્ષેત્રોમાં આમુલ પરિવર્તન કરીશું.

સંજય રાવલે જણાવ્યું હતું કે, શિક્ષણમાં સકારાત્મક પરિવર્તનની યોજના અમે ઘડી છે. આ યોજના સાથે અમે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત કરી હતી. મુલાકાત સમયે મુખ્યમંત્રીએ કહયું હતું કે, તમારી કલ્પના પ્રમાણેની ૧૦ શાળા ગુજરાત સરકાર બનાવશે.

મુખ્યમંત્રીની આ વાતને દોઢ વર્ષ થયું છે, કંઇ જ થયું નથી અને ફરીથી સરકારનો સંપર્ક કરીએ છીએ તો કોઇ સકારાત્મક પ્રત્યુત્તર પણ મળતો નથી. આ સ્થિતિમાં નસીબને દોષ દઇને બેસી રહેવું એ યોગ્ય માર્ગ નથી. આ સ્થિતિમાં રાજનીતિમાં આવીને સત્તા મેળવીને જરૂરી સુધારા  કરવા એ રાષ્ટ્રભકિત ગણાય.

સંજય રાવલ બિઝનેશમેન છે. તેઓએ દેશ-વિદેશમાં ૭૦૦ થી વધારે સેમીનાર કર્યા છે. લાખો લોકો તેમના શ્રોતા છે. ગામડામાં કાર્યક્રમ હોય તો પણ હજારો લોકો ઉમટે છે. સંજયભાઇનું વકતવ્ય સાંભળીને અનેક લોકોના જીવન બદલાયા છે. તેઓએ ૩૦૦૦ થી વધારે લોકોને આત્મહત્યા કરતા બચાવ્યા છે.

ગુજરાતભરમાં વિરાટ નેટવર્ક ધરાવતા સંજય રાવલ ઉત્તમ પ્રકારના ચિંતક છે. તેમની વકતવ્યકલા પાવરફૂલ છે. તેઓ કહે છે કે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારો લાવવામાં આવે તો સમાજના ૭૦ ટકા પ્રશ્નો હલ થઇ જાય.

શિક્ષણ માટે સ્કુલની ડિઝાઇનની ઝલક આપતા શ્રી રાવલે કહયું હતું કે, ૧પ એકર જમીન પર જ સ્કુલ હોવી જોઇએ. વિદ્યાર્થીની વિવિધ પ્રકારની સ્કીલ્સ ડેવલપ થાય તેવી સુવિધા સ્કુલમાં હોવી જોઇએ.  વિદ્યાર્થીની વિવિધ પ્રકારની સ્કીલ્સ ડેવલપ થાય તેવી સુવિધા સ્કૂલમાં હોવી જોઇએ. શિક્ષણ નીતિમાં પણ આમૂલ પરિવર્તન જરૂરી છે.

૯૦ ટકા ધરાવતા બાળકો જ ડોકટર બની શકે તેવું શા માટે ? ર૦૦ મેડિકલ કોલેજ શરૂ કરો. ૪૦ ટકાએ પણ એડમિશન આપો. તેમનામાં ક્ષમતા હશે તો તબીબી પરીક્ષા પાસ કરી લેશે. કોઇ પણ વિદ્યાશાખાના કોર્ષ-પુસ્તકો માતૃભાષામાં જ હોવા જોઇએ.

સંજય રાવલ કહે છે કે, હું ભાજપ - કોંગ્રેસ કે કોઇ પક્ષનો વિરોધી કે સમર્થક નથી. પરંતુ  શાસન પધ્ધતિ ફેઇલ છે. રાજ્ય સરકારમાં દરેક વિભાગમાં અનુભવી અને નિષ્ણાંતો જુદા-જુદા ક્ષેત્રમાં ફરજ બજાવે તે જરૂરી છે.

કોઇપણ ક્ષેત્રમાં સારાં અને નિષ્ણાંત લોકોની અછત નથી. આવા નિષ્ણાતોનો લાભ સરકાર શા માટે નથી લેતી ? જે તે પદ માટે લાયકાત અને દીર્ઘદૃષ્ટિ ધરાવનારની જ નિમણૂંક જરૂરી છે. હાલ તો શાસકો ખુદ દાયિત્વ ચૂકે છે અને અન્યને ચોર કહે છે. આ સ્થિતિ સહન કર્યે રાખવાનો અર્થ નથી. શ્રેષ્ઠ-સક્ષમ લોકોએ રાજનીતિમાં જવું જ પડશે.

શ્રી રાવલ કહે છે કે, પોલિટીકસમાં જવું અઘરું જરૂર લાગે છે, પરંતુ અશકય નથી જ. જરૂર પડયે આ અઘરું કાર્ય પણ પાર પાડવા અમે તૈયાર છીએ.

શ્રી રાવલ કહે છે કે, સરકાર પ્રાઇવેટ સ્કૂલોની ફી નિયંત્રણ વગેરે કાર્યો કરે છે. સરકાર સરકારી શાળાઓને જ ઉત્તમ બનાવશે તો ખાનગી શાળા સંચાલકો આપોઆપ સુધરી જશે. સરકારી શાળાઓ બંધ થતી જાય છે એ આઘાતજનક ગણાય.

સંજયભાઇએ જણાવ્યું હતું કે, વિવિધ પ૦ જેટલી સ્કીલ્સ છે. આ સ્કીલ ડેવલપ થાય તે માટે શિક્ષણ નીતિમાં કોઇ પ્રાવધાન નથી. વિવિધ સ્કીલ અંગે હું ર૦૦ પુસ્તકો લખી રહ્યો છું.

ઉત્તમ પ્રકારની સ્કૂલ કેવી હોય ? સંજય રાવલ ખુદ આ પ્રોજેકટ પર પ્રેકટીકલ કામ  કરી રહ્યા છે. અમદાવાદ-મહેસાણા-અંકલેશ્વરમાં જમીન ખરીદી છે અને શ્રેષ્ઠતમ વિદ્યાધામનું નિર્માણ કરી દેખાડશે. જો કે તેઓ કહે છે કે, આ કામ સરકારે કરવું જોઇએ. આવા કાર્યો કરવા માટે જ સરકાર હોવી જોઇએ. અમે ઉત્તમ સ્કૂલ જ નહિ, ઉત્તમ સરકાર નિર્માણ કરવા પણ સક્ષમ છીએ.

સંજય રાવલ પાલનપુરના છે. સામાન્ય પરિવારમાંથી આવે છે. ર૦૦૭ ની સાલ સુધી સંજયભાઇએ વેઇટર તરીકે કામ કર્યુ હતું. સ્વબળે વિવિધ સિધ્ધિઓ પ્રાપ્ત કરીને ગુજરાતના ગામે-ગામ લોકપ્રિયતા ધરાવે છે. તેઓનો સોશ્યલ મીડિયા પર સંપર્ક Sanjay Raval થી થઇ શકે છે.

રાજકોટ, તા. ૧૭ :. મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલે અનેક જગ્યાએ સેમીનારો કર્યા છે. જેમાં તેઓ જણાવે છે કે સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં સુધાર લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહયા છે. ગીતા, કુરાન અને બાયબલને અભ્યાસક્રમમાં લાવવાની જરૂર છે. આત્મનિર્ભર થવા માટે પણ આપણે પ્રયાસ કરી રહયા છે. જો કે, યુવા પેઢીને તેમના ફેમિલી બિઝનેસને નવા ફોર્મેટમાં લઇ જવો પડશે. જે બિઝનેસ કરવો છે એનો પહેલા અનુભવ લેશો તો એ બિઝનેસમાં સફળતાની શકયતા વધી જાય છે તેમ કહીને તેમણે ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા આપી હતી.

સંજયભાઈ રાવલે જણાવ્યુ છે કે, યોગ એટલે શું ? એની સુંદર પરિભાષા આપતા શ્રીમદ્? ભગવદ્? ગીતામાં કહેવામાં આવ્યું છે કે योग:कर्मसु कुशलम  અર્થાત તમે જે કંઈ કરો તેમાં કુશળતા એટલે 'Execellence' પ્રાપ્ત કરવી એનું નામ યોગ. આનાથી વધુ સારી યોગની બીજી વ્યાખ્યા કઈ હોઈ શકે ? આપણા સહુના માનીતા સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલે ગીતાની આ કર્મમાં કુશળતાની વાતને આધુનિક સંદર્ભમાં મૂકી આપી 'જે કરો તે બેસ્ટ કરો'નું સૂત્ર આપ્યું છે. તેના દ્વારા તેઓશ્રીએ પ્રધાનમંત્રીના Skill Development'ના અભિયાનને લાખો યુવાનો સુધી પહોંચાડ્યું છે.

(5:41 pm IST)