મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

અમદાવાદમાં સાદગીપૂર્વક યોજાશે રથયાત્રા પૂર્વેની જળયાત્રા

આજે યોજાયેલી બેઠકમાં લેવાયેલા વિવિધ પ્રકારના નિર્ણયોઃ ૧૦૮ કળશના બદલે ૫ કળશ સાથે જળયાત્રા યોજાશેઃ કોઈ ભજન મંડળી સામેલ નહિ થાયઃ ૨૪મીએ યોજાશે આ યાત્રા : આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશેઃ જળયાત્રામાં ૫૦થી ઓછા લોકો સામેલ થઈ શકશેઃ એકશનપ્લાન તૈયાર કરાયો

અમદાવાદ, તા. ૧૮ :. અમદાવાદમાં દર વર્ષે યોજાતી વિશ્વ વિખ્યાત રથયાત્રા અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળને લીધે રથયાત્રા યોજવી કે નહિ તે બાબતે આજે એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રથયાત્રાની જળયાત્રા યોજવામાં આવશે. જેમાં ૫૦થી ઓછા લોકો હાજર રહેશે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જે યોજવામાં આવશે.

આજે મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જળયાત્રા કાઢવા અંગે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ વખતની જળયાત્રામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં માત્ર ૫૦ લોકો જ હાજર રહી શકશે. એટલુ જ નહિ ૧૦૮ કળશની જગ્યાએ માત્ર ૫ કળશ સાથે રાખવામાં આવશે. એટલુ જ નહિ કોઈપણ ભજન મંડળી પણ જળયાત્રામાં સામેલ નહિ થાય. મોટાભાગે ગજરાજ પણ સામેલ નહિ થાય પરંતુ જો સામેલ થશે તો એકાદ ગજરાજ રાખવામાં આવશે.

આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહેશે.

અત્રે નોંધનીય છે કે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના શ્રીગણેશ જળયાત્રાથી થાય છે ત્યારે આ જળયાત્રા યોજાશે કે નહિ ? તે બાબતે લોકોને શંકા-કુશંકા હતી તે દૂર થઈ છે. જો કે દર વર્ષે ૧૦૮ કળશ સાથે વાજતેગાજતે રથયાત્રા નિકળતી હોય છે પરંતુ આ વખતે માત્ર ૫ કળશ સાથે મંદિરના સેવકો તથા ગાદીપતિ અને ટ્રસ્ટીઓ જોડાશે. કોરોના સંક્રમણ ન ફેલાય તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવશે.

હવે સાદગીથી જળયાત્રા યોજવામાં આવશે. ૨૪ જૂનના રોજ આ જળયાત્રા યોજાશે અને માત્ર ૫૦થી પણ ઓછા લોકો હાજર રહેશે.

દરમિયાન એવુ જાણવા મળે છે કે મુખ્ય રથયાત્રા યોજવી કે નહિ ? તે અંગે રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે. એવુ પણ જાણવા મળે છે કે રથયાત્રા યોજવી જોઈએ અને ન યોજવી જોઈએ એ બન્ને પ્રકારની પીટીશનો હાઈકોર્ટમાં થવા લાગી છે. એવુ પણ જાણવા મળે છે કે હાઈકોર્ટ જે નિર્દેશ આપશે તે મુજબ મુખ્ય રથયાત્રા યોજાશે.

(3:12 pm IST)