મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

ખાદ્યતેલના ભાવ થશે હજુ સસ્તા : સરકારે લીધો મોટો નિર્ણયઃ પામ ઓઇલ સહિતના તેલની આયાત મૂલ્યમાં ઘટાડો જાહેર કર્યો

શુલ્ક મૂલ્યમાં ઘટાડાથી ઘરેલુ બજારમાં ખાદ્યતેલની કિંમત ઓછી થઇ શકે છે

નવી દિલ્હી તા. ૧૮ : સરકારે પામ ઓઇલ સહીત વવિધ ખાદ્ય તેલોના આયાત મૂલ્યમાં ૧૧૨ ડોલર પ્રતિ ટનનો ઘટાડો કર્યો છે. એકસપર્ટ્સનું કહેવું છે કે એનાથી ઘરેલુ બજારમાં ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ ટેકસ તેમજ સીમા શુલ્ક બોર્ડ (CIBC)ના એક અધિસૂચના જારી કરી કાચા પામ તેલના શુલ્ક મૂલ્યમાં ૮૬ ડોલર પ્રતિ ટન અને આરબીડી(રીફાઇન્ડ, બ્લિચડ એન્ડ ડિયોડરાઈઝડ) કાચા પામોલીનના આયાત શુલ્કમાં ૧૧૨ ડોલર પ્રતિ ટન નો ઘટાડો કર્યો છે.

બોર્ડના કાચા સોયાબીન તેલના આધારે આયાત મૂલ્ય પણ ૩૭ ડોલર પ્રતિ ટન ઘટાડો કર્યો છે. ખાધા તેલના આયાત શુલ્ક મૂલ્યમાં આ ઘટાડો ૧૭ જૂનથી પ્રભાવિત થયા છે. ટેકસ એકસપર્ટ્સનું કહેવું છે કે શુલ્ક મૂલ્યમાં ઘટાડાથી ઘરેલુ બજારમાં ખાદ્ય તેલની કિંમત ઓછી થઇ શકે છે કારણ કે મૂળ આયાત મૂલ્ય પર સીમા મૂલ્યમાં ઘટાડાથી એમાં ઘટાડો થઇ શકે છે.

એએમઆરજી અને એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહેને જણાવ્યું હતું કે દેશમાં ઘરેલુ વપરાશ અને ખાદ્ય તેલીબિયાંની માંગ વચ્ચે મોટો તફાવત છે જેના કારણે મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેમની છૂટક કિંમતોમાં વધારો થયો છે.

તેમણે કહ્યું હતું કે મૂળભૂત આયાત ભાવમાં આ ફેરફારની અસર છૂટક ભાવ પર પડી શકે છે જો કે આ ઘટાડાનો લાભ ઉત્પાદકો, વિતરકો અને રિટેલરો સહિત સમગ્ર સપ્લાય ચેઇન દ્વારા ગ્રાહકને પહોંચાડવામાં આવે છે. દેશમાં ખાદ્યતેલોની માંગના બે તૃતીયાંશ આયાત દ્વારા પૂરી થાય છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલોના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

સોલ્વન્ટ એકટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, નવેમ્બર ૨૦૨૦ થી મે ૨૦૨૧ દરમિયાન વનસ્પતિ તેલની (આખા ખાદ્ય અને અખાદ્ય તેલ સહિત) આયાત ૯ ટકા વધીને ૭૬,૭૭,૯૯૮ ટન થઈ છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૭૦,૬૧,૭૪૯ ટન હતું. ખાદ્યતેલોના મામલામાં વર્ષ નવેમ્બરથી ઓકટોબર હોય છે.

છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો થયો છે. છેલ્લા એક મહિનાથી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક તેલના ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયના ડેટા અનુસાર ૧૬ મેના રોજ સરસવના તેલની કિંમત ૧૭૫ રૂપિયા હતી. હવે તેમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને આજે તે ૧૫૭ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. આ સિવાય મગફળીના તેલના ભાવમાં ૮ ટકાનો ઘટાડો થયો છે. હવે તે ૧૯૦ ની જગ્યાએ કિલો દીઠ ૧૭૪ રૂપિયા મળી રહ્યો છે.

મંત્રાલયના ડેટા અનુસાર ૦૭ મે ૨૦૨૧ ના   રોજ પામતેલની કિંમત પ્રતિ કિલો રૂ. ૧૪૨ હતી. હાલમાં તે રૂ. ૧૧૫ કિલો મળી રહ્યા છે. તેના ભાવમાં ૧૯ ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ, જો આપણે સૂર્યમુખી તેલની વાત કરીએ તો તેમાં ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા મહિનાની ૫ મી તારીખે એક કિલો સૂર્યમુખી તેલ ૧૮૮ રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, જે હાલમાં ૧૫૭ રૂપિયામાં મળી રહ્યું છે.

(10:14 am IST)