મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

સત્યા નદેલાનું માઈક્રોસોફ્ટમાં પ્રમોશન, ચેરમેન બનાવાયા

નાદેલા ૨૦૧૪માં માઈક્રોસોફ્ટના સીઈઓ બન્યા હતા : ભારતીય મૂળના સત્યા નાદેલા હવે જૉન થૉમ્પસનનું સ્થાન લેશે, થૉમ્પસન હવે પ્રમુખ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે

નવી દિલ્હી, તા. ૧૭ : માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાદેલા સફળતાની સીડી પર આગળ વધી રહ્યા છે. માઈક્રોસોફ્ટ કંપનીએ હવે તેમને પોતાના ચેરમેન બનાવી દીધા છે અને નાદેલા હવે જૉન થૉમ્પસનનું સ્થાન લેશે.

ઉલ્લેખનીય છે કે, સત્યા નાદેલા ૨૦૧૪ના વર્ષમાં માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બન્યા હતા. ત્યાર બાદ લિક્નડિન, ન્યૂઅન્સ કોમ્યુનિકેશન્સ અને ઝેનીમેક્સ જેવી અનેક કંપનીઓના અબજો ડોલરના અધિગ્રહણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

કંપનીના કહેવા પ્રમાણે થૉમ્પસન હવે પ્રમુખ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે. ૨૦૧૪ના વર્ષમાં થૉમ્પસન બિલ ગેટ્સ બાદ માઈક્રોસોફ્ટના ચેરમેન બન્યા હતા. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ હવે કંપનીના બોર્ડમાં નથી અને તેઓ બિલ અને મેલિન્ડા ગેટ્સના પરોપકારી કાર્યો પર ધ્યાન આપી રહ્યા છે. કંપનીએ તાજેતરમાં જ પ્રતિ શેર ૫૬ સેન્ટનો ત્રિમાસિક લાભાંશ આપવાનો નિર્ણય લીધો છે.

ભારતમાં કોરોનાના કારણે થઈ રહેલા વિનાશના કારણે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાદેલા પણ ખૂબ દુખી હતા. તેમણે આ સ્થિતિમાં મદદનો વિશ્વાસ આપ્યો હતો અને મદદ પણ કરી હતી.

સત્યા નાદેલાનો જન્મ ૧૯૬૭માં ભારતના હૈદરાબાદ ખાતે થયો હતો. તેમના પિતા એક પ્રશાસનિક અધિકારી અને માતા સંસ્કૃતના લેક્ચરર હતા. હૈદરાબાદ પબ્લિક સ્કુલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ ૧૯૮૮માં તેમણે મણિપાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કોમ્પ્યુટર સાયન્સમાં એમએસ કરવા માટે તેઓ અમેરિકા જતા રહ્યા હતા. તેમણે ૧૯૯૬માં શિકાગોની બૂથ સ્કુલ ઓફ બિઝનેસ ખાતેથી એમબીએ કર્યું હતું.

 

(12:00 am IST)