મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

આનંદો ! ૪ જુલાઇ સુધીમાં દેશના ૯૦ ટકા વિસ્તારને કવર કરી લેશે ચોમાસુ : જૂનના અંતથી મેઘકૃપા

ભારતીય હવામાન ખાતાની આગાહી : ર૧મીએ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચશે

નવી દિલ્હી, તા. ૧૮ : ભારતીય મૌસમ વિભાગે ગઇકાલે જણાવ્યું કે, ચક્રવાત 'વાયુ'ની અસર પૂરી થઇ ગઇ છે. હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ર૧ જૂને મહારાષ્ટ્ર પહોંચવાની સંભાવના છે. ચોમાસુ દક્ષિણ કોંકણ અને ગોવામાં ર૧ તો આખા મહારાષ્ટ્રમાં ર૪ થી રપ જૂને છવાશે. સાથે જ ૪ જુલાઇ સુધીમાં દેશના ૯૦ ટકા વિસ્તારોમાં વરસાદ પહોંચે તેવી શકયતા છે. પૂર્ણ સ્થિત મૌસમ વિભાગે કહ્યું કે ચોમાસુ આખા મહારાષ્ટ્રને કવર કરે તેવી શકયતા છે. મરાઠવાડા અને વિદર્ભ જેવા દુકાળગ્રસ્ત વિસ્તારોમાં સારા વરસાદની આશા છે.

એક અધિકારીનું કહેવું છે કે મોડુ હોવા છતાં ચોમાસુ આ મહીનાના અંત સુધીમાં કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના બાકી ભાગો, ઓરિસ્સા અને પૂર્વોત્તરમાં પહોંચવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે, 'વાયુ'ની અસર સમાપ્ત થવાની સાથે જ મંગળવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તથા પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે. તેમના અનુસાર, સોમવારે ગુજરાત, ગોવા અને મધ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. ચોમાસુ આવતા અઠવાડીએ મધ્યપ્રદેશ પહોંચી શકે છે. ઉત્તર સિક્કીમમાં વાદળ ફાટવાથી ભારે વરસાદ થયો હતો.  મોસમ વિભાગના અનુમાન અનુસાર આગામી બે દિવસોમાં મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં મધ્યમ અને દક્ષિણ કોંકણમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મરાઠવાડા વિસ્તારના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારો અને વિદર્ભમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.

જયારે દિલ્હી-એનસીઆરમાં વાદળો છવાયેલા રહ્યા હતાં અને ઘણી જગ્યાઓએ ધૂળની આંધી અને હળવા છાંટા થયા હતાં. જેનાથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી. શિમલા, ધર્મશાલા, ડેલહાઉઝ સહિત હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસતારોમાં સોમવારે વરસાદથી મોસમ મસ્ત બની ગયું હતું. રોહતાંગ, પાંગી અને ભરમૌરમાં હિમવર્ષા પણ થઇ હતી.

(11:33 am IST)