મુખ્ય સમાચાર
News of Sunday, 17th June 2018

પ્રખ્યાત હોલીવુડ એક્ટર રોબર્ટ ડી નીરોએ જાહેર એવોર્ડ સેરેમનીમાં અમેરિકી રાષ્ટ્રપતી ટ્રમ્પને ગાળો ભાંડી : દર્શકોએ તાળીઓના ગળગળાટ સાથે એક્ટરને આપ્યું 'સ્ટેન્ડીંગ ઓવેશન'

હોલીવુડ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર પોતાના નિર્ણયો અને વિચારોને કારણે આલોચનાનો શિકાર બનતા રહે છે. ક્યારેક રોડ પર તો ક્યારેક સંસદમાં તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવે છે પણ એવું પહેલીવાર બન્યું છે કે, એક અતિ લોકપ્રિય કલાકારે એવોર્ડ સેરેમનીના સ્ટેજ પરથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગાળો આપી. રસપ્રદ વાત એ છે કે, ત્યાં ઉપસ્થિત લોકોએ ઊભા થઈને તાળીઓ પાડી!

આ ઘટના ટોની એવોર્ડ્ઝ સેરેમનીની છે, જ્યાં હોલવૂડ એક્ટર રોબર્ટ ડી નીરોએ સ્ટેજ પરથી ટ્રમ્પને ગાળ આપી હતી. જોકે, ટીવી પર આના પ્રસારણમાં લોકોને ગાળ નહીં સંભળાય, કારણ કે CBS નેટવર્કે તે શબ્દને 'બીપ' કરી દીધો.

ચેનલ અનુસાર, 74 વર્ષીય એક્ટર પોતાના સાથી એક્ટર બ્રૂસ સ્પ્રિંગસ્ટીનના પરફોર્મન્સની જાણકારી આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ આવેશમાં આવી ગયા અને તેમણે ટ્રમ્પને ગાળ આપી દીધી.

‘વેરાયટી’ની રિપોર્ટ અનુસાર, જ્યારે આ ઈવેન્ટનું ટીવી પર પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે CBS પ્રોગ્રામ પ્રેક્ટિસ એક્ઝિક્યૂટિવ મૉનિટરિંગે તે શબ્દને બીપ કરી દીધો હતો. પણ આ ઘટનાના વીડિયોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ વીડિયોમાં રોબર્ટ ડી નીરોને હૉલમાં હાજર દર્શકોને સ્ટેન્ડિંગ ઑવેશન આપ્યું હતું.

જણાવી દઈએ કે, નીરો એક એક્ટર ઉપરાંત પ્રોડ્યૂસર અને ડિરેક્ટર પણ છે. તેમણે ‘ધ ગોડફાધર 2’માં યુવા વિટો કોલિર્યોનેનું પાત્ર ભજવ્યું છે. તેમની જાણીતી ફિલ્મોમાં ‘બેંગ ધ ડ્રમ સ્લોલી’, ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ધ ડીયર હન્ટર’, ‘મિડનાઈટ રન’, ‘મીટ ધ પેરેન્ટ્સ’, ‘ધ કેસિનો’ વગેરે શામેલ છે.

(1:47 am IST)