મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

11 કરોડની સંપત્તિ ગૌશાળા, ગરીબો અને ધાર્મિક સંસ્થાઓમાં દાન કર્યા : હવે આખો પરિવાર જયપુરમાં દીક્ષા ગ્રહણ કરશે

પત્ની અને 11 વર્ષના પુત્ર સાથે સોનાના વેપારી રાકેશ સુરાના દીક્ષા લેશે :ગુરુ મહેન્દ્ર સાગરથી પ્રેરિત થઇને સંસારિક જીવન ત્યાગ કરીને સંયમ અને અધ્યાત્મના માર્ગે જવાનો નિર્ણય કર્યો

મધ્ય પ્રદેશના બાલાઘાટના સોનાના વેપારી રાકેશ સુરાના પોતાની લગભગ 11 કરોડની સંપત્તિ છોડીને પત્ની અને 11 વર્ષના પુત્ર સાથે 22 મે ના રોજ જયપુરમાં દીક્ષા ગ્રહણ કરશે. આ પરિવારે પોતાની સંપત્તિ ગૌશાળા, ગરીબો અને અન્ય ધાર્મિક સંસ્થાઓમાં દાન કરી દીધી છે. પરિવારે ગુરુ મહેન્દ્ર સાગરથી પ્રેરિત થઇને સંસારિક જીવન ત્યાગ કરીને સંયમ અને અધ્યાત્મના માર્ગે જવાનો નિર્ણય કર્યો છે.

રાકેશ સુરાનાએ વૈરાગ્યની રાહ પર જવાના નિર્ણય લેવા પર જણાવ્યું કે તેમની પત્ની લીના સુરાના (36 વર્ષ) બાળપણથી જ સંયમ પથ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી. લીના સુરાનાએ અમેરિકાથી પ્રારંભિક શિક્ષા લીધી હતી. આ પછી બેંગલુરુ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધી હતી. લીના અને રાકેશના પુત્ર અભયનું મન પણ ચાર વર્ષની ઉંમરથી જ સંયમ પથ પર હતું. જોકે ઓછી ઉંમર હોવાના કારણે દીક્ષા લઇ શક્યા ન હતા. સાત વર્ષની રાહ જોયા પછી હવે અભય માતા-પિતા સાથે 22 મે ના રોજ દીક્ષા ગ્રહણ કરશે અને હંમેશા માટે સાંસારિક મોહ માયાનો ત્યાગ કરી દેશે.

રાકેશ સુરાનાની માતાએ 2017માં ગૃહસ્થ જીવન ત્યાગીને દીક્ષા લીધી હતી. તેમની બહેને 2008માં દીક્ષા લીધી હતી. માતા અને બહેનથી પ્રેરિત બનીને રાકેશ સુરાના પણ હવે સંયમના માર્ગે ચાલતા દીક્ષા લેવા જઈ રહ્યા છે.

બાલાઘાટ જિલ્લામાં એક સમયે રાકેશને નાની સોના-ચાંદીની દુકાન હતી. જોકે વર્તમાનમાં તેમનો કરોડોનો વેપાર છે. સોની બજારમાં તેમણે નામ અને પ્રતિષ્ઠા બન્ને મેળવી છે. આજે લોકો પૈસા પાછળ સતત દોડી રહ્યા છે ત્યારે રાકેશ સુરાનાએ જબરજસ્ત ત્યાગ કર્યો છે. પોતાની કરોડોની સંપત્તિ ગરીબો અને ગૌશાળામાં દાન કરી દીધી છે.

દીક્ષા ગ્રહણ કરતા પહેલા રાકેશ સુરાના તેમની પત્ની લીના સુરાના અને પુત્ર અભય સુરાનાને શહેરના લોકોએ ભાવભીની વિદાય આપી હતી. ત્રણેયનો શહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

આ સિવાય રતલામની 10 વર્ષની ઇશાન કોઠારી અને બે જોડીયા બહેન તનિષ્કા અને પલક પણ 26 મે ના રોજ દીક્ષા ગ્રહણ કરશે. તેની મોટી બહેન દીપાલી 5 વર્ષ પહેલા દીક્ષા ગ્રહણ કરી ચૂકી છે.

 

(8:07 pm IST)