મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

ઓછા કેન્દ્રો અને સ્લોટ તરત જ ભરાઇ જવાથી રસી ઇચ્છુક લોકો હેરાન

રાજયોમાં રસીની અછત જેમની તેમ, દિલ્હીમાં તાળાબંધીની નોબત

નવી દિલ્હીઃ તા.૧૮,  રસીની અછતના આરોપો વચ્ચે દિલ્હી-યુપી સહિત દેશના કેટલાય રાજયોમાં કોરોના રસીકરણની ગતિ ધીમી પડવા લાગી છે. લોકોને સ્લોટ નથી મળી રહયા તો કેટલીય જગ્યાઓએ કેન્દ્રો પર તાળા લગાવવા પડયા છે.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયાએ સોમવારે કહ્યું કે અત્યારે દિલ્હી પાસે ૪૫ વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને આપવા માટે રસીનો ૪ દિવસનો સ્ટોક છે, જયારે ૧૮.૪૪ વર્ષ વય જુથ માટેની રસીનો સ્ટોક ૩ દિવસમાં ખલાસ થઇ જશે. કેન્દ્ર સરકાર રસી અંગેની માહિતી જાહેર કરે. કોંગ્રેસ શાસિત રાજયો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢ પહેલા જ રસીની અછતના આક્ષેપો કરી ચુકયા છે. હવે યુપી, બિહાર, હરીયાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિત કેટલાય રાજયોમાં લોકોને રસી નથી મળી રહી.

પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે અધિકારીઓને સ્પુતનિક સહિતના અન્ય વિકલ્પો શોધવા કહ્યું તો દિલ્હી સરકાર પણ આવુ જ વિચારી રહી છે. જો કે કેન્દ્ર સરકારનો દાવો છે કે રાજયો પાસે અત્યારે રસીના બે કરોડથી વધારે ડોઝ અને ૩ કરોડ ડોઝ આગામી ત્રણ દિવસમાં ઉપલબ્ધ થઇ જશે. એટલે અત્યારે રસીની કોઇ અછત નથી.

(3:14 pm IST)