મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

અયોધ્યા મંદિરના ગર્ભગૃહ સ્થળે નવગુરૂ પૂજનઃ પાયામાં ૯ શીલાઓનું સ્થાપન

નરેન્દ્રભાઇએ ગત વર્ષે ૯ શીલાઓનું પૂજન કરેલઃ સાથે જ ચાંદી અને પંચધાતુની બનેલ વસ્તુઓ મુકવામાં આવી

અયોધ્યા તા. ૧૮: રામનગરી અયોધ્યામાં શ્રીરામલલા મંદિરના નિર્માણનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. ગઇકાલે સવારે વૈદીક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી રામલલા મંદિરના ગર્ભગૃહ સ્થળે પાયામાં નવગ્રહના પૂજન સાથે ૯ શીલાઓને સ્થાપીત કરાઇ હતી.

જેમાં ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ પૂજીત શીલાઓ, ચાંદીનો કળશ અને ધાતુઓને મૂકવામાં આવેલ. અયોધ્યામાં સોમવારના દિવસને જયોતિષ ગણનામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સોમવારે સવારે ૭ વાગ્યે વૈદિક મંત્રોથી પૂજનનો પ્રારંભ થયેલ. પાયામાં ૯ શીલાઓ નંદા, અજીતા, અપરાજીતા, ભદ્રા, રિકતા, જયા, શુકલા, પૂર્ણા અને સૌભાગ્યનીને સ્થાપીત કરાયેલ. ત્યારબાદ અન્ય ધાતુ ચાંદીથી બનેલ કાચબો, નાગ-નાગણી, પંચધાતુનું નવરત્ન જડીત કમળનું ફુલ, બકુલ, વૃક્ષના મુળથી નિર્મિત સંકુલ અને ચાંદીના કળશને પણ સ્થાપીત કરાયેલ.

આ આયોજનમાં સંઘના સહકાર્યવાહ ભૈયાજી જોષી, ટ્રસ્ટના મહાસચીવ ચંપતરાય, નિર્મોહી અખાડાના મહંત હિતેન્દ્રદાસ અને ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રા સંમલીત થયેલ. દરમિયાન વિહીપના કેન્દ્રીય મંત્રી રાજેન્દ્રસિંહ પંકજ અને કન્ટ્રકશન કંપનીના અધીકારીઓ પણ સામેલ થયેલ.

રામજન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણ માટે ૪૦ ફુટ ઊંડા પાયાના ખોદકામથી ગ્રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટનું કામ કરાઇ રહ્યું છે. જે માટે ૪૦૦ ફુટ લાંબા અને ૩૦૦ ફુટ પહોળા સ્થળને એન્જીનીયર ફીલ્ડ મટીરીયલથી લગભગ ૪૪ લેયરના માધ્યમથી ભરવામાં આવશે.

હાલ ૩૦૦ એમએમની બે લેયર પાથરી દેવામાં આવી છે. આ કાર્યને વરસાદની સીઝન પહેલા ઝડપથી પુરા કરવામાં આવી રહ્યું. પાયાના કામને સમયસર પુરૃં કરવાની તૈયારીઓ-કામ ચાલી રહ્યા છે.

(1:23 pm IST)