મુખ્ય સમાચાર
News of Sunday, 18th April 2021

મહારાષ્ટ્રમાંથી પ્રવાસી મજૂરોનું મોટાપાયે પલાયન : ઉત્તર ભારતની ટ્રેનો માટે ટોળે -ટોળા : 38 વિશેષ ટ્રેનો દોડાવાઈ

કુલ 266 નિયમિત સ્પેશ્યલ ટ્રેનો : વધુ 38 સ્પેશ્યલ ટ્રેનોની 196 ફેરીની પણ જાહેરાત

મુંબઈ : મહારાષ્ટ્રનાં તમામ વિસ્તારોમાંથી પ્રવાસી મજુરોનું પલાયન શરૂ થઇ ગયું છે. ઉત્તર ભારતની ટ્રેનો માટે ટોળે-ટોળા ઉમટી રહ્યાં હોવાના સમાચાર મળી રહ્યાં છે. જેથી ટિકિટો માટે વઇટિંગ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓને કન્ફોર્મ ટિકિટો મળે તે માટે વધારાની સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલ્વે મુંબઇથી વિવિધ સ્થળો માટે 38 ઉનાળાની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં મુસાફરોને તકલીફ ના પડે તે માટે 196 સેવાઓ આપવામાં આવશે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર હાલમાં કુલ 266 નિયમિત સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

તે ઉપરાંત મુસાફરોની વધતી માંગ અને સુવિધાને પહોંચીવળવા માટે વધુ 38 સ્પેશ્યલ ટ્રેનોની 196 ફેરીની પણ જાહેરાત કરવામાં આવી છે. ઠાકુરે જણાવ્યું હતું કે મુસાફરીની માંગોને પૂરી કરવા માટે 10 એપ્રિલ 2021થી ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વીય ભારતના વિસ્તારો માટે 17 સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત આ વધારાની ટ્રેનોને કારણે મુસાફરોને દરરોજ 6,500 બર્થ / સીટ મળી શકશે. આનો અર્થ એ કે આ મહિનાના અંત સુધીમાં 96,110 વધારાની સીટ / બર્થ ગોઠવવામાં આવશે. ઉત્તર ભારતના વિસ્તારો માટે પ્રતિદિવસ સરેરાશ 20 ટ્રેનોમાં વધારાના 30,000 બર્થ / સીટની સુવિધા સાથે દોડાવવામાં આવશે.

(10:31 pm IST)