મુખ્ય સમાચાર
News of Wednesday, 18th April 2018

કર્ણાટકની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવોઃ પૂર્વ પોલીસ અધિકારી અનુપમા શેનોયે રાજકારણમાં ઝંપલાવ્યું: ખોટું કામ કરનારાની ખેર નથી

બેંગ્લુરૂઃ આગામી મહિને યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પૂર્વ મહિલા પોલીસ અધિકારીએ રાજકારણમાં ઝંપલાવ્યું છે અને ખોટું કરનારાની ખેર નથી તેમ જણાવીને ખોટા કામો ન થાય તે માટે કામગીરી કરશે તેમ જણાવ્યું છે.

કર્ણાટકમાં એક પૂર્વ મહિલા પોલીસ અધિકારી અનુપમા શેનોયનું રાજકારણમાં આવવા પાછળનું કારણ એકદમ અનોખુ છે. આ પૂર્વ મહિલા અધિકારી ધારાસભ્ય બનતા જ પોતાના વાયદા પર ખરા નહીં ઉતરનારા નેતાઓ પર નકેલ કસવા માટે રાજકારણમાં આવ્યાં છે. શેનોયે જણાવ્યું કે હું રાજકારણમાં આવી છું. મેં 12 મેની કર્ણાટક વિધાનસભા ચૂંટણી લડવા માટે એક પાર્ટી બનાવી છે અને નેતાઓ પર નકેલ કસવા માટે રાજકારણમાં આવી છું. જેથી કરીને તેઓ આપેલા વચનોને પૂરા કરે અને કોઈ પણ પ્રકારના  ખોટા કામ કરવાથી ડરે.

શેનોય(37) કર્ણાટક પોલીસ કેડરની 2010ની બેચના અધિકારી છે. તેમણે રાજ્યના કેબિનેટ મંત્રી અને સ્થાનિક શરાબ વેપારી સાથેના વિવાદ બાદ જૂન 2016માં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. શેનોયને પ્રશાસનિક પ્રણાલીની અંદર ન્યાય મળ્યો નહીં અને તેઓ પોતાની સંતુષ્ટિ માટે લોકોની સેવા કરી શક્યા નહીં. તેમણે રાજકારણમાં જઈને પોતાને સશક્ત બનાવવાનો નિર્ણય કર્યો.

શેનોયે એક નવેમ્બર 2017ના રોજ ભારતીય જનશક્તિ કોંગ્રેસ (બીજેસી) નામની પાર્ટી બનાવી. તેમણે 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચમાં તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું. પાર્ટી વિધાનસભા અને 2019ની લોકસભાની ચૂંટણી પણ લડશે. ચૂંટણી પંચે 15 માર્ચના રોજ પાર્ટીને ચૂંટણી ચિન્હ પણ ફાળવી દીધુ. પાર્ટીનું ચૂંટણી ચિન્હ 'ભીંડી' છે.

શેનોયે કહ્યું કે "હું રાજ્યમાં નવા નેતૃત્વની શરૂઆત કરવા માટે રાજકારણમાં આવી છું. જ્યાં સુધી તમારી પાસે ચૂંટણી લડવા માટે રૂપિયા ન હોય ત્યાં સુધી યુવા સ્વરૂપે ત્રણેય મુખ્ય પાર્ટીઓમાં નેતા બનવા માટે કોઈ જગ્યા નથી." રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીને ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (સેક્યુલર) તરફથી પડકાર મળી રહ્યાં છે.

શેનોયે કહ્યું કે "અમારી પાર્ટી લગભગ 30 વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી લડશે. જેમાંથી સાત-આઠ બેંગ્લુરુ, 3 વિજયાપુર, 2-2 બગલકોટ, કલબુર્ગી, મૈસુર અને ઉડ્ડુપી તથા બાકી રાજ્યના બચેલા અન્ય જિલ્લાઓમાં ચૂંટણી લડી રહી છે. તેમણે કહ્યું કે હું તટીય ઉડ્ડુપી વિસ્તારના કોપથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છું." અત્રે જણાવવાનું કે કર્ણાટક વિધાનસભાની 225 બેઠકો છે જેમાંથી 224 બેઠકો માટે 12 મે ના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, મતગણતરી 15 મેના રોજ થશે.

શેનોયે કહ્યું કે" હું રાજકારણને બદલવા માટે અને લોકોની ભલાઈ માટે કામ કરવા માટે મારી પાર્ટીને યુવાઓ અને કોઈના પણ માટે એક મંચ તરીકે તૈયાર કરવા માંગુ છું. બીજેસીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનો કોઈ અપરાધિક રેકોર્ડ ન હોવો જોઈએ. તેમના પર કોઈ પોલીસકેસ ન હોવો જોઈએ. તેમને રાજ્યની કન્નડ ભાષા લખતા અને વાંચતા આવડતી હોવી જોઈએ." શેનોયે કહ્યું કે "વર્ષ 2012માં સરકારી વિભાગમાં સામેલ થયા બાદ હું ચાર વર્ષ પોલીસ વિભાગમાં રહી. હું મારી પાર્ટીના સભ્યોને શિખવાડુ છું કે લોકો અને રાજ્યની ભલાઈ માટે નેતાઓ પર કેવી રીતે નકેલ કસવામાં આવે છે."

શેનોયે કહ્યું કે એક નોકરશાહ માટે નેતા બનવું ખુબ મુશ્કેલ છે. એક ખરાબ નેતા અને એક ખરાબ નોકરશાહ સિસ્ટમને ખરાબ કરે છે. શેનોય માટે સત્તારૂઢ કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ ત્રણેય સી-ભ્રષ્ટાચાર, સામ્રાજ્યવાદ અને જાતિવાદ જેવા છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે વર્ષ 2008-2013ના ભાજપના શાસન દરમિયાન મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો. તેમની સરકારે ખનન માફિયા જી.જનાર્દન રેડ્ડી સાથે મળીને બેલ્લારીમાં ખનિજ લૂટને અંજામ આપ્યો હતો. તેમણે નેતાઓને વિશ્વાસ અપાવ્યો કે તેમને કોઈ સવાલ જવાબ કરશે નહીં.

શેનોયે કહ્યું કે કોંગ્રેસ સરકારે રાજ્યાની લોકપાલની શક્તિઓ પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વમાં એન્ટી કરપ્શન બ્યુરોની તપાસને દિશાહીન કરી નાખી. તેમણે કહ્યું કે બંધારણની કાર્યકારી શાખા રાજ્ય સરકારના હાથે ફક્ત કઠપૂતળી બનીને રહી  ગઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે "રાજ્ય સરકારે વિપક્ષી નેતાઓને ધમકાવવા માટે એસીબીનો ઉપયોગ કર્યો. જ્યારે કેન્દ્ર સરકારે સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ રાજ્ય સરકાર વિરુદ્ધ કર્યો.'

(6:07 pm IST)