મુખ્ય સમાચાર
News of Monday, 18th March 2019

4G ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં જિયો ટોચના સ્થાને :અપલોડ સ્પીડમાં વોડાફોન ટોચે: ટ્રાઈ

નવી દિલ્હી:રિલાયન્સ જિયોએ સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં પોતાની સરસાઈ ફેબ્રુઆરીમાં પણ જાળવી રાખી હોવાનું દેશના ટેલિકોમ ક્ષેત્રના નિયંત્રક સત્તામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા ચાર્ટમાં જોવા મળે છે. જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં જાન્યુઆરીમાં નોંધાયેલી 18.8 એમબીપીએસની સ્પીડમાં સુધારો નોંધાયો છે અને ફેબ્રુઆરીમાં આ સરેરાશ ડાઉનલોડ સ્પીડ 20.9  એમબીપીએસ નોંધાઈ છે.

 વર્ષ 2018માં રિલાયન્સ જિયો સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ ધરાવતી સૌથી ઝડપી ટેલિકોમ ઓપરેટર કંપની હતી. ભારતી એરટેલની ડાઉનલોડ સ્પીડમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટીઆરએઆઈ – ટ્રાઈ) દ્વારા જાહેર થયેલા ડેટા અનુસાર જાન્યુઆરીમાં ભારતી એરટેલની સ્પીડ 9.5 એમબીપીએસથી હતી જે ફેબ્રુઆરીમાં ઘટીને 9.4 એમબીપીએસ નોંધાઈ હતી.

વોડાફોન અને આઇડિયા સેલ્યુલર કંપનીઓનું એકબીજામાં વિલિનીકરણ થયું છે અને બન્ને વોડાફોન આઇડિયા તરીકે ઓળખાય છેપરંતુ ટ્રાઈએ તેમના નેટવર્કની કામગીરીને અલગ કરીને દર્શાવી છે. વોડાફોન નેટવર્કની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ જાન્યુઆરીની 6.7 એમબીપીએસની સાપેક્ષે ફેબ્રુઆરીમાં નજીવા વધારા સાથે 6.8 એમબીપીએસ નોંધાઈ

 આઇડિયાએ પણ પોતાની સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં જાન્યુઆરીમાં નોંધાયેલી 5.5 એમબીપીએસની સ્પીડમાં ફેબ્રુઆરીમાં 5.7 એમબીપીએસ સાથે નજીવો વધારો નોંધ્યો છે. જોકે આઇડિયાએ ફેબ્રુઆરીમાં સરેરાશ અપલોડ સ્પીડમાં પોતાનો પ્રથમ ક્રમ ગુમાવી દીધો છે. સરેરાશ 4G અપલોડ સ્પીડમાં વોડાફોન ફેબ્રુઆરીમાં ટોચે રહી.

વોડાફોન સરેરાશ અપલોડ સ્પીડના ચાર્ટમાં 6.0 એમબીપીએસની સ્પીડ સાથે ટોચે રહી. જાન્યુઆરીમાં તેની આ સ્પીડ 5.4 એમબીપીએસ હતી. ફેબ્રુઆરીમાં આઇડિયા અને એરટેલ નેટવર્કની સરેરાશ 4G અપલોડ સ્પીડમાં ઘટાડો નોંધાયો જે અનુક્રમે 5.6 એમબીપીએસ અને 3.7 એમબીપીએસ હતી. જ્યારે 4.5 એમબીપીએસની સરેરાશ અપલોડ સ્પીડ સાથે જિયોની સ્પીડમાં સુધારો જોવા મળ્યો હતો.

(10:19 pm IST)